વિશાખાપટ્ટનમ્ : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે આવેલા હિન્દુસ્તાન શિપયાર્ડમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ક્રેન પડવાથી ૧૧ મજૂરનાં મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે લોડિંગ કરેલા કામની ચકાસણી કરતી વખતે ક્રેન નીચે પડી હતી. અમુક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘાયલ લોકોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે ૧૦ લોકોનાં મોત થયાનું જણાવવામાં આવ્યું હતું. જે બાદમાં વિશાખાપટ્ટનમ કલેક્ટર વિનય ચાંદે ૧૧ લોકોનાં મોત થયાનું કહ્યું હતું.
ઘટનાને નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધી શકે છે. પોલીસ અને રેસ્ક્યૂ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ડીસીપી સુરેશ બાબુએ જણાવ્યું કે ઘટનામાં ૧૧ લોકોનાં મોત થયા છે અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. ક્રેન પડવાનો આઠ સેકન્ડનો વીડિયો પણ સામે આવ્યો છે.
હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિડેટ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠના શહેર ખાતે આવેલું છે, જેનો વહિવટ સરકાર હસ્તક છે. હિન્દુસ્તાન શિપયાર્ડ ખાતે શીપ, શીપ રિપેરિંગ, ડિઝાઇનિંગ, સબમરીન મેકિંગ સહિતના કામ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં ચાર શિપયાર્ડના કર્મચારી હતી, જ્યારે અન્ય લોકો કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકો હતા.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વિશાખાપટ્ટનમ ખાતે ઔદ્યોગિક અકસ્માત થયા હતા. આશરે એક મહિના પહેલા વિશાખાપટ્ટનમ ખાતે આવેલી એલજી પોલીમર ફેક્ટરી ખાતે ગેસ લીક થવાથી ૧૧ લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. આ ઉપરાંત ગેસ લીકને કારણે ૧૦૦૦થી વધારે લોકો બીમાર પડ્યા હતા.
જુલાઇ ૩૦ના રોજ પોર શહેર ખાતે એક ફાર્માસ્યુટિક કંપનીમાં ગેસ લીક થવાથી બે લોકોનાં મોત થયા હતા અને ચાર લોકોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જુલાઇ મહિનામાં જ વિશાખાપટ્ટનમ ખાતે આવેલી એક બીજી ફાર્માસ્યુટિક કંપનીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.