આણંદના જતિન પટેલ સાથે કેટલાક ડોક્ટરોની પણ સંડોવણીની ચર્ચા થઈ રહી છે…
આ બાબતે પોલીસ સમગ્ર કૌભાંડના મૂળમાં જઇ તપાસ કરશે : પોલિસ કમિશ્નર ડૉ. સમશેરસિંઘ
વડોદરા-આણંદમાંથી ઝડપાયેલા રેમડેસિવિરના કૌભાંડમાં ડુપ્લિકેટ રેમડેસિવિરની ફેક્ટરીનો પર્દાફાશ…
પોલીસ જતિન પટેલની ઉંડી તપાસ કરે તો કેટલાક મેડિકલ માફિયાના નામો ખુલશે તેમ મનાઈ રહ્યું છે…
આણંદ : વડોદરામાંથી પકડાયેલા રેમડેસિવિર ઈન્જેક્શનોના કાળાબજારીનો રેલો આણંદ સુધી આવતાં અને આણંદના જતિન પટેલનું મુખ્ય સૂત્રધાર તરીકે નામ ખુલતા જ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર જતીન પટેલ શહેરની કેટલીક કોવિડ હોસ્પિટલના ડોક્ટરો, મેડિકલ સ્ટોરના સંચાલકો સાથે સંપર્કમાં રહી તેમની પાસેથી આ રેમડેસિવિર ઈન્જેકશનો મેળવીને કાળાબજારમાં વેચતો હતો. કોવિડ હોસ્પિટલના ડોક્ટરો દર્દીઓના નામના પ્રિસ્ક્રીપ્શનો લખીને આરોગ્ય વિભાગ પાસેથી સસ્તા દરે રેમડેસિવિર ઈન્જેક્શનો મેળવી લેતા હતા અને અમુક દર્દીઓને આપીને બીજા દર્દીઓના નામની પાવતીઓ ફાડીને ગેરરીતી આચરતા હોવાની શક્યતા વર્તાઈ રહી છે. વડોદરામાં પકડાયેલા શખ્સોને જતિન પટેલ ૧૨ થી ૧૩ હજારમાં ઈન્જેક્શન વેચતો હતો અને વડોદરાના શખ્સો પોતાનુ કમિશન ચઢાવીને જરૂરીયાતમંદ દર્દીઓના સગાઓને વેચતા હતા. પોલીસ જતિન પટેલની ઉંડી તપાસ કરે તો કેટલાક માફિયાઓના નામો ખુલશે તેમ મનાઈ રહ્યું છે.
પોલીસે તમામ ચાર જણાની પૂછપરછ કરતાં ઇંજેક્શનોનો સપ્લાય આણંદની જયમન ફાર્મા નામની દવાની એજન્સીના સંચાલક જતિન પટેલે મોકલ્યો હોવાની વિગતો ખૂલી હતી.પોલીસની એક ટીમે રાતે જ જતિનને ત્યાં છાપો મારી તેને ઝડપી પાડી ૪૫ ઇંજેક્શનો કબજે કર્યા હતા.
પોલીસ કમિશનર ડો.સમશેરસિંઘે કહ્યું છે કે, વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેરસિંઘે જણાવ્યું હતું કે, વડોદરા ક્રાઇમ બ્રાંચે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કાળાબજારીમાં ફાર્માસિસ્ટ, મેડિકલ સ્ટોર અને મેડિકલ સપ્લાય એજન્સી સંડોવાયેલી છે. વડોદરામાંથી ૪૫ ઇન્જેક્શન પકડાયા છે. ૫ આરોપીઓ મેળીને ૧૬થી ૨૦ હજાર સુધીમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ કરતા હતા. વિકાસ પટેલ શ્રોફ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે અને આ વિકાસ પટેલ આણંદના જતીન પટેલ પાસેથી ઇન્જેક્શન લાવતો હતો. જતીન પટેલ એક મેડિકલ એજન્સી ચલાવે છે. આ બાબતે પોલીસ સમગ્ર કૌભાંડના મૂળમાં જઇ તપાસ કરશે.