આણંદ :: કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા- તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
આમ છતાં પણ હજુ નાગરિકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા જેથી નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાયરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી ધન્વંતરી રથની આરોગ્ય ટીમ દ્વારા સંબંધિત તાલુકાના લાયઝન અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદારશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ શહેરો-ગામોમાં નાગરિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે આણંદ ખાતેના સરકારી વસાહતમાં વસવાટ કરતાં સરકારી કર્મીઓના પરિવારોની ધન્વંતરી રથની આરોગ્ય ટીમના આરોગ્ય કર્મીઓ દ્વારા આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી તેમજ તમામને હોમિયોપેથીક આર્સેનિક આલ્બમ અને આયુર્વેદિક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ; અને તમામને કોરોનાનો ટેસ્ટ કરાવવા અંગે અનુરોધ કરવામાં આવ્યો હતો.