માત્ર કાયદાઓ બનાવવાથી નિવારણ નથી આવતુ પરંતુ આપણે માનસિકતા બદલવાની જરૂર છે : મદદનીશ શ્રમ અધિકારી શ્રી ડી.એ. ચૌહાણ
આણંદ : ગુજરાત સરકારના બાળ અને તરૂણ શ્રમ નાબુદી અભિયાનને અસરકારક બનાવવા માટે મદદનીશ શ્રમ આયુક્તની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ આણંદના સંયુક્ત ઉપક્રમે બાળ અને તરૂણ શ્રમ નાબુદી અભિયાનના ભાગરૂપે મદદનીશ શ્રમ અધિકારી શ્રી ડી.એ. ચૌહાણની અધ્યક્ષતામાં શિબિર યોજાઈ.
મદદનીશ શ્રમ અધિકારી શ્રી ડી.એ. ચૌહાણે સરકાર દ્વારા બાળ અને તરૂણ શ્રમ નાબુદી માટે ઘણા કાયદાઓ અમલમાં મુકવામાં આવ્યા છે. પરંતુ માત્ર કાયદાઓ બનાવવાથી જ તેનું નિરાકરણ નહીં આવે જો આપણે તેનું નિરાકરણ લાવવું હોય તો સૌ પ્રથમ આપણે આપણી માનસિકતા બદલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
શ્રી ચૌહાણે સરકારના બાળ અને તરૂણ શ્રમ નાબુદી અંગેના વિવિધ કાયદાઓ અંગે માહિતી આપી આપણે સૌએ પણ આપણી આસ પાસના વિસ્તારમાં ચકાસણી કરવી જોઈએ અને બાળ મજૂરી અટકાવા માટે સરકારના આ ભગીરથ કાર્યમાં જોડાઈ સહભાગી થવા સુચવ્યું હતું.
બાળ સુરક્ષા અધિકારી શ્રી પાર્થ ઠાકરે બાળ સુરક્ષા અને અધિકારો સંબંધિત કાયદાઓ વિશે માહિતી આપીને ઉપસ્થિત તમામ લોકોને જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગત કાર્યરત વિવિધ સરકારી યોજનાઓ જેવી કે પાલક માતા પિતા યોજના, સ્પોન્સરશીપ યોજના, બાળસંભાળ ગૃહો વિશે જાણકારી આપી હતી.
આ પ્રસંગે મદદનીશ શ્રમ અધિકારી શ્રી ડી.એ. ચૌહાણના હસ્તે દિનેશભાઈ ખરાડીયા અને બાબુભાઈ ડામોરને લાભાર્થી શ્રમ યોગી ઓળખકાર્ડ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લાના ઈંટ ભટ્ઠાના વેપારીઓ, સામાજિક સંસ્થાના કાર્યકરો, સમાજના આગેવાનો અને અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા હતા.