આણંદ : આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના વરસડા પાટીયા પાસે બે ટ્રકો સામસામે અથડાતા બન્ને ટ્રકના ચાલકોના મોત નીપજયા હતા. જ્યારે અન્ય એક બનાવમાં ખડોલ ગામનો બાઈક ચાલક યુવક હળદરી પાસે રાહદારી અજાણ્યા ઈસમ સાથે અથડાઈને રોડ પર પટકાતા બાઈક ચાલક યુવકને માથામાં અને શરીરે ગંભીર ઈજા થતા બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. જામનગર જિલ્લાના વસઈ ખાતે રહેતા અશોકસિંહ રણજીતસિંહ જાડેજા ધંધાર્થે લીધેલી ટ્રકમાં ડ્રાયવર અશોકભાઈ ડાભી શુક્રવારે કંડકટર તરીકે નરેન્દ્રસિંહ બળુભા જાડેજા સાથે ટ્રકમાં વસઈ રિલાયન્સમાંથી પ્લાસ્ટિકના દાણા ભરી સુરત જવા નીકળ્યા હતા અને રાત્રીના નવ વાગ્યાના અરસામાં તારાપુર વટામણ રોડ પર વરસડા પાટિયા નજીકથી પસાર થતા હતા. આ વખતે સામેથી આવતી ટ્રકના ચાલકે પોતાની ટ્રક પુરઝડપે ગફલતભરી રીતે હંકારી અશોકભાઈ ડાભીની ટ્રક સાથે ધડાકાભેર અથડાવતા અશોકભાઈ ડાભી,
કંડકટર નરેન્દ્રસિંહ ઉપરાંત સામેની ટ્રકના ચાલકને શરીરે ઈજાઓ પહોંચી હતી. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. સામેની ટ્રકના ચાલક અને વસઈના ટ્રક ચાલક અશોકભાઈ ડાભીનુ મોત નિપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે અશોકસિંહ રણજિતસિંહ જાડેજાની ફરિયાદ લઇ અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં આંકલાવ તાલુકાના ખડોલ(હ) ગામે મહાદેવ પાસે જોગણી માતાના મંદિર નજીક રહેતા અર્જુનભાઈ રામાભાઇ સોલંકીના પિતરાઇ ભાઇ રાવજીભાઇ ફતાભાઈ સોલંકીનો દીકરો ૧૮ વર્ષીય નીતિનકુમાર શુક્રવારે રાત્રિના આઠ વાગ્યાના અરસામાં બાઇક લઈને આસોદર હળદરી રોડ તલાવડી નજીકથી પસાર થતો હતો.
ત્યારે અજાણ્યા રાહદારી ઈસમ સાથે બાઈક લઈને અથડાતા બાઈક ચાલક નિતીન રોડ પર પડી જતા મોઢાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થતા નિતીનનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે અજાણ્યા ઇસમને પણ શરીરે ઇજાઓ થતા ૧૦૮ દ્વારા તાત્કાલિક સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે તારાપુર અને આંકલાવ પોલીસે ગુનો નોંધાયો છે.