આંકલાવ તાલુકાના બી.આર.સી. કૉઓર્ડિનેટરશ્રી ઈશ્વરલાલ કડવાભાઇ પ્રજાપતિ આ વર્ષે આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકના પારિતોષિક માટે પસંદ…
આણંદ : જિલ્લાના આંકલાવ તાલુકાના બી.આર.સી. કૉઓર્ડિનેટરશ્રી ઈશ્વરલાલ કડવાભાઇ પ્રજાપતિ આ વર્ષે આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકના પારિતોષિક માટે પસંદ થતાં સમગ્ર આંકલાવ તાલુકાનું શિક્ષણ જગત હર્ષ તથા ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે.
गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वराय ।
गुरु साक्षात् परब्रह्म तस्मेय शिव
गुरुवे नमः ॥
આપણા સૌના જીવનમાં સારા નરસાં પ્રસંગોમાં યોગ્ય વ્યવહાર થકી શિક્ષકે કરેલ આપણાં ઘડતરનું અનેરું મહત્વ હોય છે. એક શ્રેષ્ઠ શિક્ષક વિદ્યાર્થીના જીવનમાં પરિવર્તન થકી સમાજ પરિવર્તન કરનાર ચાણક્ય હોય છે.
- આ અર્થમાં વાત કરીએ તો ઈશ્વરભાઈ પ્રજાપતિ ૧૨/૧/૧૯૯૯ ના રોજ આંકલાવના ખડોલ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા ત્યારથીજ તેમને બાળમાનસ અનુરૂપ શિક્ષણ પદ્ધતિઓમાં રસ લઈ બાળશિક્ષણ અંતર્ગત રાજ્ય કક્ષાએ આયોજિત પેડાગોજી અંગેના સેમિનાર, વર્કશોપમાં ભાગ લઇ અગ્રેસર કાર્ય કર્યું છે. તેઓ આણંદ જિલ્લાના પેડાગોજી મોનીટરીંગ ટીમના સભ્ય રહી ચુક્યા છે.તથા હાલ જિલ્લા પેડાગોજી કૉ ઓર્ડિનેટર તરીકે કાર્યરત છે.પ્રજ્ઞા શિક્ષણ અંતર્ગત તેમનું પ્રદાન હંમેશા ઉત્કૃષ્ટ રહેલ છે. પોતાની ઉજ્જવળ શિક્ષણયાત્રામાં નાવિન્યપૂર્વક કાર્ય કરવાના હેતુરૂપે તેઓ ૧૩/૪/૨૦૧૭ના રોજ આંકલાવ તાલુકાના બી આર સી કૉઓર્ડિનેટર તરીકે જોડાયા.જેમાં ઘણાં બધાં સ્થાનિક અંતરાયો છતાં સર્વ શિક્ષા અંતર્ગત થતી શાળા સલામતી અને સ્વચ્છતા તાલિમ તથા જી. સી.ઇ.આર.ટી.અંતર્ગત વિષયવસ્તુ સજ્જતા શિક્ષક તાલિમ,તાલુકાના પછાત બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા,કલાઉત્સવો, વિજ્ઞાનમેળા વગેરેનું વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ જળવાય એ રીતે આયોજન અને અમલીકરણ કર્યું છે.તાલુકામાં અસરકારક શિક્ષણ અને સહ અભ્યાસિક પ્રવૃત્તિના સંકલન અને પ્રોત્સાહન અર્થે તેઓ જ્ઞાનદીપ નામનું ઇ- મેગેઝિન ચલાવે છે, જિલ્લામાં ઇનોવેશન ફેરમાં તેઓ બે વખત ભાગ લઇ ચુક્યાં છે.તાલુકાના વિકલાંગ બાળકો માટે હંમેશા કરુણાસભર રહેનાર તેઓ નિયમિત રિસોર્સરૂમનું આયોજન કરે છે તથા તેમની જરૂરિયાત સંદર્ભે કેમ્પનું પણ આયોજન કરે છે. તાલુકાની શાળાઓની એસ એમ સી સશક્તિકરણ માટે તેઓએ શ્રેષ્ઠ એસ એમ સી ધરાવતી શાળાઓને પારિતોષિક અર્પણ કરી શાળા અને ગામનું સંકલન કરવા ઉત્તમ ભૂમિકા ભજવેલ. તેઓએ ગુણોત્સવ, મિશનવિદ્યા કાર્યક્રમ માટે સુચારું વ્યવસ્થાપન અને મોનિટરિંગ કાર્ય આયોજન કરી ઈચ્છનિય પરિણામ થકી તાલુકાને ગૌરવ અપાવ્યું છે. આંકલાવ તાલુકામાં કન્યા કેળવણી, સ્ત્રી શિક્ષણનો વ્યાપ વધારી જેન્ડર ગેપ દૂર કરવામાં તેઓ અગ્રેસર રહ્યાં છે.
લોક ડાઉનમાં તેઓએ ભૂખ્યાને ભોજનનો સેવા યજ્ઞ ચલાવ્યો હતો. હાલમાં જ સ્ટડી ફ્રોમ હોમ અંતર્ગત ડીડી ગિરનાર દ્વારા તેઓ આદર્શ અને શ્રેષ્ઠ શૈલીમાં છેવાડાના બાળકો સુધી શિક્ષણ પીરસી રહ્યાં છે. શાળા મૂલાકાત અને માર્ગદર્શન થકી જેઓએ સમગ્ર આંકલાવ તાલુકાના શિક્ષણ જગતની કાયા પલટ અંગે ખેવના સેવી અને સફળ રહ્યાં એવા સફળ શ્રેષ્ઠ શિક્ષકશ્રી ઈશ્વરલાલ કે પ્રજાપતિ તેમની ભાવિ શિક્ષણ યાત્રામાં પણ શ્રેષ્ઠતાનું ખેડાણ કરતાં રહે એવી અભ્યર્થના આપણે નીચેની પંક્તિઓ થકી આપીએ…
શ્રેષ્ઠતાના પંથ પર,
ફુલ વીણવાને કાજે,
રોકાતાં નહીં.. કારણ કે.. શ્રેષ્ઠતાના ફુલો,
આપની રાહમાં ખીલ્યાં જ કરવાનાં.
– Jignesh Patel, Anand