આણંદ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સક્ષમ નેતૃત્વમાં રાજ્યના શહેરોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. વિકાસ કાર્યોની કડીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કામો માટે રૂા.૧,૦૬૫ કરોડના ચેકોનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજે વિતરણ કરવામાં આવ્યું હતુ.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના શહેરોનો સમતોલ અને સંતુલિત વિકાસ થઇ રહ્યો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરોમાં પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી હોવાનું કહ્યું હતું.
આણંદ કલેકટર કચેરીના વિડિયો કોન્ફરન્સ હોલમાં ઉપસ્થિત આણંદના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, ખંભાતના ધારાસભ્ય શ્રી મયુરભાઇ રાવલ અને જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલના હસ્તે આણંદ નગરપાલિકાને
રૂા. ર.૫૦ કરોડ, ખંભાત, પેટલાદ અને બોરસદ નગરપાલિકા દરેકને ૧.૫૦ કરોડ, ઉમરેઠ અને કરમસદ નગરપાલિકાને ૧,૧૨,૫૦,૦૦૦/- જયારે સોજિત્રા, ઓડ, વલ્લભવિદ્યાનગર, બોરીયાવી અને આંકલાવ નગરપાલિકા દરેકને રૂા. ૫૦ લાખના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ અનુદાનથી શહેરી વિકાસ વધુ વેગવાન બનશે સાથોસાથ શહેરીજનોની જનસુવિધા અને જનસુખાકારીમાં વધારો થશે. તેટલું જ નહીં પણ શહેરો સુંદર, સુવિધાયુક્ત તથા સ્વચ્છ બને તે માટે સરકાર સંકલ્પબધ્ધ હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર શ્રી પી. સી. ઠાકોર સહિત તમામ નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ, ચીફ ઓફિસરો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.