તંત્રએ નકકી કરેલા સુપર મોલ, વેપારીઓ સવારે ૮થી ૧ર દરમ્યાન માલસામાનની હોમ ડિલીવરી કરી શકશે…
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.સી.ઠાકોરે ફોજદારી કાર્યરિતી અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪, નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૩૪ તેમજ ઘ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન ૨૦૨૦ હેઠળ જાહેરનામુ બહાર પાડ્યું…
આણંદ : નોવેલ કોરોના વાયરસ COVID-19ની અસરને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરીત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમિક હીસીઝ એક્ટ-૧૮૯૭ અનવ્યે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ક્રમાંક એનસીવી-૧૦૨૦૨૦-એસ.એફ.એસ ૧ તા. ૧૩-૩-૨૦૨૦ ના જાહરનામાંથી રાજ્યમાં ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન ૨૦૨૦ લાગુ કરવામાં આવેલ છે.
જે અનુસંધાને હાલની પરિસ્થિતિમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ના ઝડપી સ્થાનિક સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની અવર જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સમગ્ર આણંદ જિલ્લામાં (નગરપાલિકા વિસ્તાર સહિત) કેટલાંક નિયંત્રણો મુકવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.સી.ઠાકોરે આણંદ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૭૯૩ ની કલમ ૧૪૪ તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ તથા ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ હેઠળ જાહેરનામુ બહાર પાડ્યું છે.
તદનુસાર તારીખ ૧૨-૪-૨૦૨૦ થી ૧૪-૪-૨૦૨૦ સુધીના સમયગાળા દરમિયાન અમુલ પાર્લર/દુધ પાર્લર/ અમુલ ડેરીનું આઉટલેટ પાર્લર સવારના ૮-૦૦ થી ૧૨-૦૦ કલાક સુધી કાર્યરત રહેશે. તે સિવાયના સમયગાળા દરમ્યાન ઉક્ત વિતરણ વ્યવસ્થા સદંતર બંધ રહેશે.
જિલ્લામાં આવેલ જથ્થાબંધ તથા છુટક વેચાણ માટેના તમામ ગંજ બજાર તથા અનાજ કરિયાણાની દુકાનો સંપુર્ણ બંધ રહેશે. જથ્થાબંધ વેપારીઓ છુટક દુકાનદારોને સવારના ૮-૦૦ થી ૧૨-૦૦ કલાક સુધી માલ સામાનની ડીલીવરી કરી શકશે.
તમામ સુપર મોલ(ડી-માર્ટ, બીગ બજાર, રીલાયન્સ,આધાર તથા તે પ્રકારના તમામ) તેમજ કરિયાણા / અનાજ / શાકભાજી / આવશ્યક ચીજ વસ્તુઓના વેપારીઓ વહીવટી તંત્ર દ્વારા ઇસ્યુ થયેલ પાસનો ઉપયોગ કરી સવારના ૮-૦૦ થી ૧૨-૦૦ કલાક સુધી હોમ ડીલીવરી કરી શકશે.
જિલ્લામાં આવેલ જથ્થાબંધ / છુટક શાકભાજી તથા ફ્રુટની દુકાનો / બજાર સંપુર્ણ બંધ રહેશે. જથ્થાબંધ વેપારીઓ છુટક વેપારીઓને સવારના ૮-૦૦ થી ૧૨-૦૦ કલાક સુધી માલ સામાનની ડીલીવરી કરી શકશે. શાકભાજી તથા ફ્રુટની લારીઓ વાળા જે તે સોસાયટી / શેરીના નાકે સવારના ૮-૦૦ થી ૧૨-૦૦ કલાક સુધી વેચાણ કરી શકશે.
પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર(સસ્તા અનાજની દુકાન)ના વિક્રેતાઓ સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ વખતોવખતની સુચનાઓ મુજબ અનાજનું વિતરણ ચાલુ રાખી શકશે. અને તેઓને આપવામાં આવેલ પાસ માન્ય ગણાશે.
ઉક્ત જોગવાઇઓ સિવાય અગાઉના સંદર્ભ-૧ દર્શિત જાહેરનામા તથા સુધારા હુકમની તમામ જોગવાઇ યથાવત રહેશે. આ સમય દરમિયાન કેન્દ્ર / રાજ્ય સરકારની વખતોવખતની તમામ સુચનાઓનું પાલન કરવાનું રહેશે.
આ જાહેરનામું આણંદ જિલ્લામાં (નગરપાલિકા વિસ્તાર સહિત) ૧૨ મી એપ્રિલ થી ૧૪મી એપ્રિલ ૨૦૨૦ સુધી લાગુ રહેશે. સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ શ્રી સ્થાનિક પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાને લઇ તેઓની હકુમત હેઠળના વિસ્તારમાં વ્યાજબી જણાય તેવી જોગવાઇઓમાં ફેરફાર કરી શકશે.
આ હુકમ અનવ્યે જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી પાંચ વર્ષથી વધુ સેવામાં હોય તેવા પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે
આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી.સી. ઠાકોરે જણાવ્યુ છે.