મતદાર યાદીને ક્ષતિરહિત બનાવવા મતદારોના સહયોગનો અનુરોધ કરતા જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ
જિલ્લામાં ૨૨ અને ૨૯ નવેમ્બર તેમજ ૦૬ અને ૧૩ ડિસેમ્બર રવિવારના રોજ ખાસ ઝુંબેશ અંતર્ગત નજીકના મતદાન મથકો પર સુધારા વધારા કરી શકાશે…
૦૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ૧૮ વર્ષ પુર્ણ કરતા મતદાનની લાયકાત ધરાવતા મતદારો મતદાતા યાદીમાં નામ નોંધાવી શકાશે…
આજે આણંદ ખાતે પ્રિન્ટ- ઈલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સાથે યોજાયેલ પત્રકાર પરિષદ…
આણંદ : ભારતના ચૂંટણી પંચ દ્વારા ૦૧-૦૧-૨૦૨૧ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ આજે તારીખ ૦૯ નવેમ્બરથી આણંદ જિલ્લામાં પ્રારંભ થઈ ગયો હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી આર.જી. ગોહિલે આજે કલેકટરાલય ખાતે પ્રિન્ટ- ઈલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સાથે યોજાયેલ પત્રકાર પરીષદમાં કહ્યું હતું.
પત્રકાર પરીષદમાં વધુ માહિતી આપતા કલેકટર શ્રી આર.જી. ગોહિલે મતદારયાદી શુધ્ધતા કાર્યક્રમમાં મતદાર યાદીમાં નામોની નોંધણી કરવી. મતદાર યાદીમાં મતદારોની વિગતોમાં સુધારો કરવા અને અવસાન પામેલ, સ્થળાંતરીત મતદારોના નામ અને મતદાર યાદીમાંથી દુર કરવા, ઓળખકાર્ડમાં રહેલી ભુલો દુર કરવી, મતદારના કલર ફોટોગ્રાફ્સ મુકવા, ઇમેજ સુધારવી સહિત મતદાર યાદી શુધ્ધતા બાબતે સુધારો કરવા અંગેની ઝુંબેશ ચૂંટણી પંચ દ્વારા મતદાર ચકાસણી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
કલેકટરશ્રીએ, આણંદ જિલ્લામાં ૦૧ જાન્યુઆરી ૨૦૨૧નાં રોજ મતદાનની લાયકાત ધરાવતા નવયુવાન મતદારો તેઓના નામની નોંધણી કરાવી શકશે. જિલ્લામાં ૦૯ નવેમ્બર થી ૧૫ ડિસેમ્બર દરમિયાન ચાલનાર આ કાર્યક્રમમાં ખાસ ઝુંબેશ અંતર્ગત નજીકના મતદાન મથકો પર ૨૨ અને ૨૯ નવેમ્બર તેમજ ૦૬ અને ૧૩ ડિસેમ્બર એમ ચાર રવિવારના રોજ સવારે ૧૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી મતદારો સુધારા વધારા કરાવી શકશે તેમ કહ્યું હતું.
શ્રી આર.જી.ગોહિલે નવીન મતદારોએ મતદાર યાદીમાં નામ દાખલ કરવા ફોર્મ નંબર ૦૬, નામ સામે વાંધો લેવા અને રદ કરવા ફોર્મ નંબર ૦૭ તેમજ વિગતમાં સુધારો કરવા ફોર્મ નંબર ૦૮ અને નામ તબદીલ કરવા
૦૮-૦કમાં અરજી કરવાની રહેશે તેમ જણાવી નવું એપીક કાર્ડ મેળવવા ઇચ્છતા મતદારો જિલ્લા અને તાલુકા સહાયતા કેન્દ્રમાં રૂા. ૩૦ ભરી નવું ઓળખકાર્ડ મેળવી શકશે. તેમ કહ્યું હતું.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એમ.એસ. ગઢવીએ જિલ્લામાં આજદિન સુધી ૧૮૧૦ મથકો ઉપર અંદાજે કુલ ૧૬,૮૫,૪૯૯ મતદારો નોંધાયા છે. તેમ જણાવી તાલુકાવાર વિગતો આપતાં ૧૦૮ ખંભાત વિધાનસભામાં હાલ ૨૪૦ મતદાન મથક જેમાં ૧૧૫૧૯૦ પુરૂષો, ૧૦૬૮૮૫ સ્ત્રીઓ અને ત્રીજી જાતીના ૧ મતદાર મળીને કુલ ૨૨૩૦૭૬ મતદારો, ૧૦૯ બોરસદ વિધાનસભામાં ૨૬૪ મતદાન મથક જેમાં ૧૨૯૦૭૨ પુરૂષો, ૧૧૯૪૬૮ સ્ત્રીઓ અને ત્રીજી જાતીના ૧ મતદાર મળીને કુલ ૨૪૮૫૪૧ મતદારો, ૧૧૦ આંકલાવ વિધાનસભામાં ૨૪૨ મતદાન મથક જેમાં ૧૧૦૦૯૬ પુરૂષો, ૧૦૪૨૦૯ સ્ત્રી મતદાર મળીને કુલ ૨૧૪૩૦૫ મતદારો, ૧૧૧ ઉમરેઠ વિધાનસભામાં ૨૮૯ મતદાન મથક જેમાં ૧૩૩૮૭૫ પુરૂષો, ૧૨૬૯૯૬ સ્ત્રીઓ અને ત્રીજી જાતીના ૩ મતદાર મળીને કુલ ૨૬૦૮૭૪ મતદારો,
૧૧૨ આણંદ વિધાનસભામાં ૩૦૧ મતદાન મથક જેમાં ૧૫૨૯૬૭ પુરૂષો, ૧૪૮૦૨૨ સ્ત્રીઓ અને ત્રીજી જાતીના
૫ મતદાર મળીને કુલ ૩૦૦૯૯૪ મતદારો, ૧૧૩ પેટલાદ વિધાનસભામાં ૨૩૯ મતદાન મથક જેમાં ૧૧૬૮૮૯ પુરૂષો, ૧૧૦૯૩૬ સ્ત્રીઓ અને ત્રીજી જાતીના ૯૭ મતદાર મળીને કુલ ૨૨૭૯૨૨ મતદારો અને ૧૧૪ સોજિત્રા વિધાનસભામાં ૨૩૫ મતદાન મથક જેમાં ૧૦૮૮૫૬ પુરૂષો, ૧૦૦૯૨૨ સ્ત્રીઓ અને ત્રીજી જાતીના ૯ મતદારો મળીને કુલ ૨૦૯૭૮૭ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
મતદારો ૦૯ નવેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધી મતદાર ચકાસણી કાર્યક્રમમાં (NVSP પોર્ટલ) મતદાર હેલ્પ લાઇન, વોટર હેલ્પ લાઇન મોબાઇલ એલ્પીકેશન, મતદાર અધિકારીની કચેરી તેમજ એસ.એમ.એસ ECI(SPACE) મતદાર ઓળખકાર્ડ નંબર લખી ૧૯૫૦ નંબર પર મેસેજ કરી તેમજ ૧૯૫૦ નંબર પર સંપર્ક કરી ચકાસણી કરી શકાશે. તેમજ જરૂરી પુરાવા સાથે www.nvsp.in અને www.ceo.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી શકાશે
મતદાર યાદી સુધારણામાં આગામી ૦૧-૦૧-૨૦૨૧ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરી લાયકાત ધરાવતા મતદારો આ મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરી શકશે, જે તે ભાગમાંથી નામ કમી કરી નવી જગ્યાએ ઉમેરવાનું થતુ હશે તો તે નિયત ફોર્મ ભરી કાર્યવાહી કરી શકાશે ફોર્મ નંબર-૬,૭,૮ મેળવી ચૂંટણી મતદાર યાદી સંદર્ભે કામગીરી હાથ ધરી શકાશે. સ્થળાંતરીત નવા મતદારો પોતાનું નામાંકન કરાવી શકશે. આ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં આણંદના નાગરીકોને તેનો લાભ લઇને જિલ્લા વહીવટીતંત્રને સહકાર આપવા જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલે અપીલ કરી છે.
આ પત્રકાર પરીષદમાં આણંદના મામલતદાર (ચૂંટણી) શ્રી એચ.એચ. પંજાબી, નાયબ મામલતદાર
શ્રી પીયુષભાઈ અને રાજકીય પક્ષનાં આગેવાનો સહિત જિલ્લાના પ્રિન્ટ-ઈલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ- ફોટોગ્રાફરો અને કેમેરામેનો ઉપસ્થિત રહ્યાં હતા.