પોલીસે ટ્રકમાંથી વિદેશી દારુની જુદા જુદા માર્કાની બોટલો અને બીયરના ટીન નંગ ૨૧૬ મળી કુલ ૩,૨૫,૪૦૦ નો જથ્થો તેમજ ટ્રક અને પાંચ મોબાઈલ ફોન સાથે ૮,૫૬,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી…
આણંદ : વાસદ પોલીસે બાતમી આધારે આણંદ તાલુકાના વાસદ પાસે ૩.૨૫ લાખના વિદેશી દારુનો જથ્થો ભરેલ ટ્રકને ઝડપી પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વિદેશી દારુનો જથ્થો ભરેલી એક ટર્બો ટ્રક વડોદરાથી બોરસદ તરફ જઈ રહી છે તેવી વાસદ પોલીસને બાતમી મળી હતી, જે બાતમીના આધારે વાસદ પોલીસ મથકના પીએસઆઈ પી. જે. પરમાર સહિત સ્ટાફે ગત રાત્રીના સુમારે વાસદ-બોરસદ રોડ ઉપર રેલ્વે ફાટક નજીક વોચ ગોઠવી હતી. ત્યારે રાત્રીના ૮-૪૫ વાગ્યાના સુમારે બાતમી મુજબની ટર્બો ટ્રક આવતા પોલીસે તેને રોકી ટ્રકની પાછળ તાડપત્રી ખોલી તપાસ કરતા વિદેશી દારુ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારુની જુદા જુદા માર્કાની બોટલો અને બીયરના ટીન નંગ ૨૧૬ મળી કુલ ૩,૨૫,૪૦૦ નો જથ્થો તેમજ ટ્રક અને પાંચ મોબાઈલ ફોન સાથે ૮,૫૬,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકના ચાલક જાવેદ અબ્દુલરહીમ શેખ રહે. ગુંજન સી ટાઈપ વાપી જી. વલસાડ તેમજ તેની સાથેના કિંજલભાઈ ચંપકભાઈ પટેલ રહે. વેરી ફળિયા કોચરવા તા. વાપી જી. વલસાડ, ગૌરાંગ વિનોદભાઈ પરમાર રહે. કુંભાર ફળિયું કોચરવા તા. વાપી જી. વલસાડની ધરપકડ કરી તેઓની પુછપરછ કરતા આ વિદેશી દારુનો જથ્થો મોબાઈલ ફોન પર સંપર્ક કરનારી વ્યક્તિએ મંગાવ્યો હોવાનું જણાવતા પોલીસે પકડાયેલા ત્રણ શખ્સો તેમજ વિદેશી દારુનો જથ્થો મંગાવનાર શખ્સ સહિત ચાર જણા વિરુદ્ધ વાસદ પોલીસ મથકે દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.