ન્યુ દિલ્હી : શુક્રવારે ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી છે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને ૧૮ સભ્યોની ટીમે જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડ સામે ચોથી ટી-૨૦માં શાનદાર અર્ધસદી ફટકારનારા સૂર્યકુમાર યાદવને વનડે ટીમમાં સ્થાન આપ્યું છે.
સૂર્યકુમાર યાદવે ડેબ્યૂ મેચમાં ફિફ્ટી ફટકારીને સૌને પ્રભાવિત કર્યા હતા. તેમણે ૩૧ બોલમાં શાનદાર ૫૭ રન બનાવ્યા હતા. પોતાની આ પારીમાં તેમણે ૩ સિક્સર અને ૬ ફોર ફટકારી હતી. સૂર્યકુમારની આ તોફાની પારીના કારણે ભારત ઈંગ્લેન્ડને ૮ વિકેટે હરાવી શક્યું હતું. સૂર્યકુમારને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો અને વન ડે ટીમમાં જગ્યા મળતા તેમને વધુ એક ઈનામ મળ્યું છે.
બીજી તરફ સ્પિન ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યા અને યુવા ઝડપી બોલર કૃષ્ણાને વનડે શ્રેણીની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. વિજય હઝારે ટ્રોફીમાં ૧૪ વિકેટ લેનાર કર્ણાટકના પેસર કૃષ્ણને ભારતીય ટીમમાં ડેબ્યુ કરવાની તક મળી શકે છે. બરોડાના કેપ્ટન ક્રુણાલે પણ વિજય હજારે ટ્રોફી ૨૦૨૦-૨૧ સીઝનમાં તેના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા હતા. તેણે ૫ મેચમાં ૧૨૯.૩૩ ની સરેરાશથી ૩૮૮ રન બનાવ્યા, જેમાં બે સદી અને બે અડધી સદી સામેલ હતી.
ભારતીય ટીમઃ-
વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા (ફઝ્ર), શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ એય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, કેએલ રાહુલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ક્રુણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મો. સિરાજ, પ્રસિધ્ધ કૃષ્ણ, શાર્દુલ ઠાકુર.