ગાંધીનગર : ગુજરાતમાં હવે ૧૦ દિવસ પછી રાજ્યસભાની ખાલી પડેલી ૪ બેઠકોની ચૂંટણી યોજાવાની છે આ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં રાજકીય ભૂંકપ આવી રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપી દીધું હતું જેની સ્પષ્ટતા તેમના દ્વારા કરવામાં આવી હતી. જોકે, આ સિલસિલો હજુ ચાલુ રહેશે અને કોંગ્રેસને હજુ કેટલાક ઝાટકા પડવાના છે તેવી વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે. નીતિન પટેલે હજુ કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપશે તેમ જણાવ્યું છે.
પત્રકારો સાથે વાત કરતી વખતે નીતિન પટેલે કહ્યું કે, સ્પીકરે જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના ૪ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હોવાની માહિતી મને મળી છે. તેમણે કહ્યું કે “ઘણી ચર્ચાઓ થતી હોય છે કે, હજુ પણ ઘણાં ધારાસભ્યો કોંગ્રેસ છોડવાના છે, ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાના છે.” તેમણે કહ્યું કે “અમે અગાઉથી જેમ કહેતા હતા તે પ્રમાણે કોંગ્રેસમાં ખુબ મોટી આંતરિક જુથબંધી છે. નેતાઓ એકબીજાને નીચું દેખાડવા માટે અથવા કોઈ આગળ ના વધી જાય તે માટે સતત પ્રયત્ન કરે છે.” તેમણે કહ્યું કે કોંગ્રેસમાં જે જૂથવાદ છે તેનું પરિણામ અત્યારે પાર્ટી ભોગવી રહી છે.
તેમણે એમ પણ કહ્યું કે, “કોંગ્રેસના કાર્યકર, હોદ્દેદાર કે ધારાસભ્યો જેઓ ભાજપના સિદ્ધાંતો પ્રમાણે ભાજપને સ્વીકારવા સહમત હોય તેમનો ભાજપમાં આવકાર છે. ભાજપ સરકારના સમયમાં નિર્માણ પામેલી પ્રસિદ્ધ જગ્યાઓ છે જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો જવાનું ટાળે છે, મહાત્મા મંદિર છે સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે આ જગ્યાઓ પર કોંગ્રેસના ઘણાં નેતા જતા નથી. કોંગ્રેસને જે એલર્જી થાય છે તે યોગ્ય નથી. અમે જે કરીએ છીએ તે ગુજરાત માટે કરીએ છીએ, પ્રજા માટે કરીએ છીએ.