એહમદ પટેલના નિધનને પગલે બંસલને તાત્કાલિક અસરથી ખજાનચીનો વધારાનો કાર્યભાર અપાયો…
ન્યુ દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન કુમાર બંસલને તાત્કાલિક અસરથી પાર્ટીના કોષાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ મર્હૂમ નેતા અને પૂર્વ સાંસદ એહમદ પટેલ પાર્ટીના કોષાધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા. પાર્ટીનના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પવન કુમાર બંસલને ખજાનચી પદની વધારાની જવાબદારી સંભાળવા જણાવ્યું છે. અગાઉ બંસલ પાર્ટીમાં પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા.
પવન કુમાર બંસસ અગાઉ કોંગ્રેસની સરકારમાં મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે. પૂર્વ યુપીએ સરકારમાં તેમને રેલ મંત્રાલયની જવાબદારી મળી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલના નિધન બાદ કોષાધ્યક્ષ પદે કોને નિયુક્ત કરવામાં આવે છે તેના પર સૌની નજર હતી. આખરે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે ચંદીગઢના પૂર્વ સાંસદ બંસલને વચાગાળાના કોષાધ્યક્ષ નિયુક્ત કરવાનો નિર્ણય લીધો હતો.
કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા બંસલ ઘણા સમયથી સાઈડલાઈન થઈ ગયા હોવાનું જણાતું હતું. પરંતુ તાજેતરમાં તેમને પૂર્વ મહાસચિવ મોતીલાલ વોરાના સ્થાને પાર્ટીના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. હવે ખજાનચી તરીકેની વધારાની જવાબદારી મળતા બંસલ વધુ લાઈમલાઈટમાં આવ્યા છે. બંસલ તાત્કાલિક અસરથી કોંગ્રેસના ખજાનચી તરીકેનો કાર્યભાર સંભાળશે.
શાંત, સૌમ્ય રહેતા પવન કુમાર બંસલ ધારદાર ભાષણ આપવાવાળા નેતાઓમાના એક છે. છેલ્લા થોડાક સમયમાં તેઓ રાજકારણમાંથી પડદા પાછળ રહેતા હતા. જો કે, હવે તેમને આ જવાબદારી મળતા ફરી એક વાર તેઓ ફ્રન્ટ લાઈનમાં આવશે. ૭૨ વર્ષિય પવન કુમાર ૧૦મી, ૧૩મી, ૧૪મી અને ૧૫ લોકસભાના સભ્ય પણ રહ્યા છે. તેઓ યુપીએની મનમોહન સરકારમાં રેલ્વે મંત્રી તરીકે, સંસદીય બાબતોના મંત્રી, જળ સંસાધન મંત્રી તરીકેના વિભાગો પણ સંભાળી ચુક્યા છે. તેઓ જ્યારે રેલ મંત્રી હતા, ત્યારે તેમના ભત્રીજા પર લાંચ રૂશ્નતનો આરોપ લાગતા તેમને મંત્રીપદેથી રાજીનામું આપવુ પડ્યુ હતું.