અમદાવાદ : કોરોનાના નવા કેસોમાં જુલાઈ મહિનો પીક પર રહ્યો છે. જૂન મહિનાના અંતથી અત્યાર સુધી નવા કેસ નોંધાવાની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. આંકડાઓ મુજબ ૩૦ જૂને કોરોનાના ૬૨૦ કેસ નોંધાયા હતા જે ૩૧ જુલાઈના રોજ લગભગ બમણા થઈને ૧૧૫૩ થયા હતા. જણાવી દઇએ કે રાજ્યમાં અત્યાર સુધી ૩૦ જુલાઈએ સૌથી વધુ ૧૧૫૯ કેસ નોંધાવાનો રેકોર્ડ છે.
છેલ્લા ૧૧ દિવસમાં રાજ્યમાં કોરોનાના ૧૦૦૦થી વધુ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ ૬૧,૪૩૮ કેસ નોંધાયા છે. જેમાંથી ૨૮૭૯૫ એટલે કે ૪૬.૮% એકલા જુલાઈ મહિનામાં જ નોંધાયા છે. એક દિવસમાં વધુ ૨૩ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૨૪૪૧ પર પહોંચ્યો છે.
જુલાઈમાં પણ સુરત અમદાવાદથી આગળ નીકળીને કોવિડ -૧૯ દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત શહેર બન્યું છે. અમદાવાદના ૫,૬૦૪ સામે સુરતમાં ૮,૨૪૦ કેસ નોંધાયા છે. શુક્રવારના આંકડા મુજબ સુરતમાં ૨૮૪ જ્યારે અમદાવાદમાં ૧૭૬ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨૬,૫૧૭ જ્યારે મૃત્યુઆંક ૧,૫૯૭ પર પહોંચ્યો છે. શુક્રવારે અમદાવાદમાં નોંધાયેલા ૧૭૬ કેસમાંથી ૧૪૦ શહેરના અને ૩૬ ગ્રામીણ વિસ્તારના છે.
અમદાવાદ અને સુરત ઉપરાંત અન્ય જિલ્લામાં પણ પોઝિટિવ કેસોમાં ઉછાળો જોવા મળ્યો હતો. ૧ જુલાઈના રોજ રાજ્યના ૬૭૫ કેસમાંથી સુરત અને અમદાવાદ સિવાય ૩૧ જિલ્લાઓનો હિસ્સો ૨૫૯ એટલે કે આશરે ૩૮% હતો. જ્યારે ૩૧ જુલાઈના રોજ રાજ્યમાં નવા નોંધાયેલા ૧,૧૫૩માથી ૬૮૮ એટલે કે લગભગ ૬૦% હિસ્સો હતો.
વડોદરા જે કેસોની સંખ્યાના સંદર્ભમાં અમદાવાદ અને સુરત પછી ત્રીજા સ્થાને છે. ત્યાં પણ પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. આંકડા મુજબ ૧ જુલાઈના રોજ વડોદરામાં ૫૭ કેસ નોંધાયા હતા, જે ૩૧મી જુલાઈએ વધીને ૯૦ પર પહોંચી ગયા હતા. જણાવી દઈએ કે વડોદરામાં છેલ્લા ૮ દિવસથી કોરોનાના દરરોજ ૯૦થી વધારે કેસ જોવા નોંધાઈ રહ્યા છે.