અમદાવાદ : કોવિડ-૧૯ના દર્દીઓ માટે હાથ ધરાયેલા ડોર ટુ ડોર સર્વેમાં સામે આવ્યું છે કે, ૧ કરોડથી વધુ લોકો એવા છે જેમની ઉંમર ૫૦ કરતાં વધુ છે. સર્વેમાં ૫૦ કરતાં ઓછી ઉંમરના ૨.૬ લાખ લોકોને કો-મોર્બિડિટી (સહ-બીમારી) હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં કુલ ગણતરીમાંથી, ૫૦ વર્ષથી વધુ ઉંમરના ૧૪.૬ લાખ લોકો અને કો-મોર્બિડિટીવાળા ૩૭,૨૬૦ લોકો આઠ મહાનગરપાલિકા વિસ્તારોના છે, તેવો સર્વેના પરિણામોમાં ખુલાસો થયો છે. ’આપણે છેલ્લા નવ મહિનાથી વાયરસ સાથે જીવવાના આપણા અનુભવથી જાણીએ છીએ કે જેમની ઉંમર ૫૦થી વધુ છે અને જેઓ કો-મોર્બિડિટી ધરાવે છે તેમને કોવિડ-૧૯નો ચેપ લાગવાની શક્યતા વધુ છે.
જે તમને મૃત્યુ તરફ ધકેલી શકે છે. તેથી, રાજ્ય સરકાર દ્વારા ડ્રાઈવ શરુ કર્યા બાદ કોરોનાની રસી મેળવનારની હરોળમાં તેઓ પ્રથમ હશે’, તેમ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. રાજ્ય વહીવટીતંત્રએ અગાઉ ઉલ્લેખ કર્યો હતો કે, રાજ્યભરમાં બે દિવસીય સર્વેક્ષણ મતદાર યાદીના આધારે કરવામાં આવ્યો હતો. નાગરિકોની મતદાર યાદીના આધારે લોકોને રસી આપવા માટે ખાસ બૂથ બનાવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, જેમની રસી આપવામાં આવશે તેમને મતદાન વખતે આંગળી પર જે શાહી લગાવવામાં આવે છે, તેવી શાહી લગાવવામાં આવશે. પહેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓને રસી આપવામાં આવશે. રસીની પ્રક્રિયા સહિતની બાબતો પર નજર રાખવા માટે ઉચ્ચ-સ્તરીય બેઠકો નિયમિત યોજવામાં આવે છે. ગુજરાતમાં હાલ સોલા સિવિલ હોસ્પિટલ કોરોનાની રસીના ટ્રાયલ માટેનું કેન્દ્ર છે. જો કે, કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ પણ એવી રસીની ઓળખ કરી નથી, જેને મોટાપાયે રસીકરણ અભિયાન માટે મંજૂરી આપવામાં આવશે. ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ૧,૦૦,૯૧,૫૪૫ લોકોમાંથી ૮૬.૩ લાખ લોકો નોન-કોર્પોરેશન વિસ્તારના છે, જ્યારે ૫૦થી ઓછી વય જૂથના ૨.૨૩ લાખ લોકો કો-મોર્બિડિટી ધરાવે છે અને નોન-કોર્પોરેશન વિસ્તારના છે.