વડોદરામાં બંન્ને દિકરાઓની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર કરાયા…
વડોદરા : ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું આજે વહેલી સવારે વડોદરામાં નિધન થયું હતું. સવારે હૃદયરોગનો હુમલો થતાં ક્રિકેટરબંધુના ૭૧ વર્ષીય પિતા હિમાંશુભાઈ પંડ્યાનું નિધન થયું હતું, જેથી બંને પુત્રો કૃણાલ-હાર્દિક પંડ્યા આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પરિવાર, સંબંધીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા. જ્યારે બંને દીકરાએ પીતાંબર પહેરી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કાંધ આપી હતી. બાદમાં વડીવાડી ખાતે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા.
બરોડા ક્રિકેટ એસોસિયેશન મીડિયા કમિટીના ચેરમેન સત્યજિતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમયથી હિમાંશુ પંડ્યાની તબિયત નાદુરસ્ત હતી. આજે સવારે ૪ વાગ્યે હાર્ટ-અટેક આવતાં તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ તેમનું રસ્તામાં જ નિધન થયું હતું. ત્યાર બાદ તેમને ઘરે લઈ આવ્યા હતા. વડોદરાના ભાયલી રોડ ખાતે આવેલા ઘરેથી અંતિમયાત્રા કાઢી વડીવાડી સ્મશાનમાં તેમના પાર્થિવદેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર કિરણ મોરે ત્યાં પણ પહોંચ્યા હતા.
હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં ફાઇનાન્સનો વેપાર કરતા હતા. જોકે થોડા સમય બાદ ૧૯૯૮માં તેમના પિતા વેપાર બંધ કરીને વડોદરા જવા મજબૂર થયા હતા. એ સમયે હાર્દિક પંડ્યા માત્ર પાંચ વર્ષનો હતો. વડોદરામાં પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. હાર્દિકના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી. તેઓ હંમેશાં પોતાના બંને દીકરાને પાસે બેસાડી મેચ દર્શાવતા હતા તો અનેકવાર મેચ જોવા માટે સ્ટેડિયમ પણ લઈ ગયા હતા.