સરહદે તણાવ વચ્ચે એકાએક લેહ પહોંચી વડાપ્રધાને ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો…
વડાપ્રધાને જવાનોનો જોશ હાઇ કર્યો,વંદે માતરમના નારા લગાવ્યા…
વિસ્તારવાદનો યુગ સમાપ્ત થયો, આ વિકાસવાદનો સમય,દુશ્મનોએ જોઈ લીધો છે તમારો જોશ અને ગુસ્સો,બોર્ડર પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ ૩ ગણો વધારી દેવાયો,દરેક આક્રમણ પછી દેશ વધારે મજબૂત થયો,આપનું સાહસ એ ઊંચાઈઓથી વધુ, જ્યાં તમે તૈનાત છો…
લેહ : ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) પર ગલવાન ખીણ વિસ્તારમાં ૧૫ જૂનની હિંસક અથડામણના પગલે બે દેશો વચ્ચે ચાલી રહેલી ભારે તણાવભરી ગંભીર સ્થિતિમાં ભારતના બહાદૂર જવાનોના જોમ અને જુસ્સાને વધારવા અને શહિદ થયેલા ૨૦ જવાનોની શહાદતના સંદર્ભમાં તથા ભારત સરકાર આ મુદ્દે સહેજ પણ નરમાશમાં કે હળવાશમાં નથી એવો કડક સંદેશો બૈજિંગ(ચીન)ને આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે અચાનક લેહ-લદ્દાખની મુલાકાત લઇને સૌને આશ્ચ્રર્યચકિત કર્યા હતા. ૧૫ જૂનની અથડામણના ૧૮મા દિવસે મોદીએ ૧૧ હજાર ફૂટની ઉંચાઇએ આવેલા લદ્દાખના ફોરવર્ડ લોકેશન નિમુમાં સૈન્ય, આઇટીબીપી અને એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરીને સ્થિતિની જાતે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવત, સૈન્યવડા નરવણે વગેરે . પણ આ પ્રસંગે તેમની સાથે હાજર રહ્યાં હતા. સીમાએ સ્થિત જવાનોમાં અનેરો જોમ અને જુસ્સો જગાવવા અને સમગ્ર ભારત તેમની સાથે છે એવો તાર્કિક સંદેશો આપવાની સૈન્ય અને મનોવૈજ્ઞાનિક રણનીતિના ભાગરૂપે પણ મોદીના પગલાની સરાહના થઇ રહી છે. પીએમ જ્યાં પહોંચ્યા છે તે સ્થળ ૧૧,૦૦૦ ફુટની ઉંચાઈ પર .અને ઝંકસાર રેન્જથી ધેરાયેલું છે, અહીં સિંધુ નદી વહે છે. મોદીની આ મુલાકાતની ચીન પર ધારી અસર થઇ હોય તેમ ચીને ત્યારબાદ એવી પ્રતિક્રિયા આપી હતી કે સમાધાનકારી ઉકેલ માટે વાટાઘાટો ચાલી રહી છે ત્યારે તણાવ વધારતાં પગલા ટાળવા જોઇએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખ પ્રવાસ દરમિયાન આજે લેહમાં જવાનોને સંબોધિત કર્યા. આ સંબોધનમાં એક તરફ પીએમ મોદીએ ભારતીય જવાનોનો ઉત્સાહ વધાર્યો, તો બીજી તરફ તેમણે ચીનને જોરદાર સંભળાવ્યું. પીએમ મોદીએ કહ્યું કે ભારતીય જવાનોએ દુનિયાને પોતાની બહાદુરીનો પરચો આપ્યો છે. લદ્દાખમાં ચીની હરકતો પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે વિસ્તારવાદનો જમાનો જતો રહ્યો છે, વિકાસવાદનો સમય છે. પીએમ મોદીએ ચીનને ચેતવ્યું કે આવી શક્તિઓ નાશ પામે છે.
વડાપ્રધાન મોદીએ ચીનને ખરુંખરું સંભળાવતા કહ્યું કે, “વિસ્તારવાદનો યુગ ખત્મ થઈ ગયો છે અને વિકાસવાદનો યુગ છે. ઝડપથી બદલાતા સમયમાં વિકાસવાદ જ પ્રાસંગિક છે. વિકાસવાદ માટે અવસર છે એ જ વિકાસનો આધાર છે. ગત સદીમાં વિસ્તારવાદે માનવજાતિનો વિનાશ કર્યો. કોઈ પર વિસ્તારવાદની જીદ સવાર હોય તો હંમેશા તે વિશ્વ શાંતિ માટે ખતરો છે.” પીએમ મોદીએ કહ્યું કે, “ઇતિહાસ સાક્ષી છે કે આવી તાકાતો નષ્ટ થઈ જાય છે.” ઉલ્લેખનીય છે કે ચીન સમય-સમયે લદ્દાખ, અરૂણચાલનાં વિસ્તારો પર પોતાનો દાવો કરતુ રહે છે. એટલું જ નહીં હાલમાં રશિયા અને ભૂટાનની જમીન પર પણ તેણે પોતાનો દાવો કર્યો હતો.
જવાનો સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, “આપણે વાંસળીવાળા શ્રીકૃષ્ણની પૂજા કરીએ છીએ. તો સુદર્શનચક્રધારી કૃષ્ણને પણ આદર્શ માનીએ છીએ.” પીએમ મોદીએ કહ્યું કે, “જ્યારે જ્યારે રાષ્ટ્ર રક્ષાનાં નિર્ણયો પર વિચારું છું ત્યારે સૌથી પહેલા બે માતાઓને યાદ કરું છું. સૌથી પહેલા આપણી ભારત માતા, બીજી આપણી વીર માતાઓ જેમણે સૈનિકોને જન્મ આપ્યો છે.” ત્યારબાદ પીએમ મોદીએ કહ્યું કે, “જવાનોનાં સુરક્ષા ઉપકરણો અને હથિયારોની દરેક સંભવ મદદ કરવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે.” પીએમ મોદીએ કહ્યું કે, “અમે સશસ્ત્રદળોની જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છીએ.”
વડાપ્રધાન મોદીએ જવાનોનો ઉત્સાહ વધારતા કહ્યું કે, તેમની ભુજાઓ પથ્થરો જેવી છે. ત્યારબાદ પીએમ મોદી બોલ્યા કે, દુશ્મનોએ જવાનોનો જોશ અને ગુસ્સો જોઇ લીધો છે. જવાનોની પ્રશંસામાં પીએમ મોદીએ કહ્યું, “તમે જે વીરતા હાલમાં જ બતાવી છે તેનાથી વિશ્વમાં ભારતની તાકાતને લઇને એક સંદેશ ગયો છે. તમારા (જવાનો) અને તમારા મજબૂત સંકલ્પનાં કારણથી આત્મનિર્ભર ભારત બનવાનું આપણો સંકલ્પ મજબૂત થયો છે.” પીએમ મોદીએ કહ્યું કે, “તમારી ઇચ્છાશક્તિ હિમાલય જેવી મજબૂત અને અટલ છે, દેશને તમારા પર ગર્વ છે.
તમારા સન્માન, તમારા પરિવારના સન્માન અને ભારત માતાની સુરક્ષાને દેશ સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. સેના માટે આધુનિક હથિયાર હોય અથવા તમારી ચીજ વસ્તુ અમે આની પર ધ્યાન આપીએ છીએ. બોર્ડર ઈન્ફ્રાસ્ટક્ચર પર ખર્ચ લગભગ ૩ ગણો કરી દેવાયો છે. આનાથી બોર્ડર એરિયા ડેવલપમેન્ટ અને સીમા પર રસ્તા-પુલ બનાવવાનું કામ પણ ઝડપથી થઈ રહ્યું છે. અત્યાર સુધી તમારા સુધી સામાન પણ ઓછામાં ઓછા સમયમાં પહોંચે છે. સેનામાં સમન્વય માટે ચીફ ઓફ ડિફેન્સની રચનાની વાત હોય અથવા વોર મેમોરિયલ અથવા તો વન-પેન્શન વન રેન્કની વાત હોય. અમે સેનાઓ અને સૈનિકોને મજબૂત કરી રહ્યા છીએ.
૧૫ જૂનની રાત્રે ગલવાન ખીણ વિસ્તારમાં થયેલી આ હિંસક અથડામણમાં ૨૦ ભારતીય જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વડાપ્રધાન મોદી ઘટનાસ્થળની મુલાકાત કરવા માટે આ લેહ પહોંચ્યા હતા.. અહીં સેનાના વરિષ્ઠ અધિકારીઓએ તેમને તમામ પરિસ્થિતિથી અવગત કરાવ્યા હતા. વડાપ્રધાને લેહ ખાતે ભારતીય સેના, વાયુસેના અને આઈટીબીપીના જવાનોની સાથે મુલાકાત કરી હતી..
મોદીએ આજે નિમૂમાં ૧૧ હજાર ફૂટ ઉંચી ફોરવર્ડ લોકેશન પર આર્મી, એરફોર્સ અને આઇટીબીપીના જવાનો સાથે વાત કરી હતી. નિમૂ ચીન સરહદથી માત્ર ૨૫૦ કિમી જ દૂર છે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ એમએણ નરવણે પણ છે. મોદીએ જવાનોની વાતચીતનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમણે ગલવાન ઝપાઝપીમાં ઘાયલ થયેલા સૈનિકો સાથે પણ આજે મુલાકાત કરી છે.