Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં રાજકીય રેલીઓ બંધ નહીં કરાવી શકતી પોલીસ હવે લગ્ન સમારંભમાં ત્રાટકે છે…

અમદાવાદ : રાજકીય નેતાઓને મેળાવડા કરવાની છૂટ અને સામાન્ય વ્યક્તિને દંડ, વરરાજા અને સગાં-સ્નેહીઓની ધરપકડ કરી લેવામાં આવે છે
દેશમાં અને ગુજરાતમાં જ્યાં ચૂંટણીઓ આવી છે ત્યાં રાજકીય રેલીઓ અને સભાઓમાં જનમેદની એકત્ર થાય ત્યારે બંદોબસ્તમાં રહેતી પોલીસ હવે લગ્ન સમારંભમાં ત્રાટકી રહી છે. રાજકીય નેતાઓને મેળાવડા કરવાની છૂટ અને સામાન્ય વ્યક્તિને દંડ અને સજા એ ક્યાંનો ન્યાય છે તેવું લગ્નના આયોજકો કરી રહ્યાં છે.
ગુજરાતની પોલીસે રાજ્યભરમાં લગ્ન સમારંભોમાં ત્રાટકીને ૩૧૪ ગુના નોંધ્યા છે. કોરોનાની ગાઇડલાઇન છે કે લગ્ન સમારંભમાં ૫૦થી વધુ લોકોની હાજરી હોય તો ગાઇડલાઇનનો ભંગ થાય છે. રાજ્યના પોલીસ વડાએ રાજ્યભરની પોલીસને આપેલી સૂચના પ્રમાણે પોલીસે આટલી મોટી સંખ્યામાં ગુના નોંધીને ૪૭૧ લોકોની ધરપકડ કરી છે.
રાજ્યમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હતી ત્યારે સભા અને રેલીઓ યોજવામાં આવતી હતી તેમજ રાજકીય પાર્ટી, ખાસ કરીને ભાજપ્ના નેતાઓ મેળાવડા કરતાં હતા ત્યારે એકપણ રાજકીય નેતાની ધરપકડ કરી નથી તેવી પોલીસ હવે ખાનગી લગ્ન સમારંભમાં દરોડા પાડીને લોકોને દંડીત કરી રહી છે. કોરોના સંક્રમણના કેસો વધતાં ગુજરાતની પોલીસ ખાનગી સમારંભોમાં ત્રાટકે છે. સોશ્યલ ડિસ્ટન્સીંગના મુદ્દે પોલીસ કોઇ બાંધછોડ કરવા માગતી નથી.
રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલોમાં બેડ નથી. ઓક્સિજન કે દવાઓ નથી ત્યારે રાજ્યના પોલીસ વડાએ સંક્રમણને નિયંત્રણમાં લેવા કોવિડ ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન કરવાના આદેશ કયર્‌િ છે. આ આદેશને પગલે શહેરોમાં કમિશનરેટ અને ગ્રામ્ય વિસ્તારમાં એસપીનું તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે. ઘણી જગ્યાએ પોલીસે વરરાજા અને તેના સગાસ્નેહીઓની ધરપકડ કરી છે.
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ પોલીસ વિભાગ માટે આદેશ જાહેર કર્યો છે અને તેમાં માસ્ક નહીં પહેરનારા કે સોશ્યલ ડિસ્ટન્સીંગનું ધ્યાન નહીં રાખનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. લગ્ન સમારંભમાં ૫૦ કરતાં વધુ વ્યક્તિઓને એકત્ર કરી શકાતા નથી તેમ છતાં જે આયોજકોએ ભંગ કર્યો છે તેમની સામે પગલાં લેવાઇ રહ્યાં છે. એક જ મહિનામાં પોલીસે જાહેરનામા ભંગના ૩૪૧ ગુના નોંધ્યા છે અને નિયમના ભંગ બદલ ૪૭૧ લોકોની ધરપકડ કરી છે.
પોલીસે માસ્ક અને જાહેરમાં થૂંકવા બદલ પણ કાર્યવાહી શરૂ કરી છે. છીંડે ચઢ્યો તે ચોર… એ ન્યાયે પોલીસે જાહેરમાં થૂંકનારા ૨૫૦૦ લોકોની ધરપકડ કરી છે, એટલું જ નહીં માસ્ક નહીં પહેરનારા ૧૦ હજારથી વધુ લોકો પાસેથી પ્રત્યેક કિસ્સા પેટે ૧૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.

Related posts

હાઈરિસ્ક દેશમાંથી વડોદરામાં ૨૦૦થી વધુ પ્રવાસી આવ્યા : ૭ દિવસ ક્વોરન્ટીન કરાયા

Charotar Sandesh

ભારત અને કેનેડાના સંબંધો હાલ વણસ્યા : અભ્યાસ અર્થે ગયેલ વિદ્યાર્થીઓ-વાલીઓમાં ચિંતા વધી

Charotar Sandesh

આત્મનિર્ભર ગુજરાત : હવે વ્યાપાર-ઉદ્યોગને દોડતા કરવા રૂા.5000 કરોડના પેકેજની તૈયારી…

Charotar Sandesh