પટના : લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાને કહ્યું હતું કે હાલના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર સામે ભ્રષ્ટાચાર પુરવાર થશે તો હું એમને જેલમાં મોકલીશ. ગઇકાલ સુધી લોજપ નીતિશ કુમારના જદયુ અને ભાજપાની સાથે હતો. છેલ્લા થોડા મહિનાથી ચિરાગ સતત એવી ફરિયાદ કરતો હતો કે નીતિશ કુમાર મને હજું પણ બાળક સમાન ગણીને મારી ઉપેક્ષા કરી રહ્યા હતા. તેણે ભાજપના પ્રમુખ જે પી નડ્ડાને પણ દિલ્હીમાં મળીને આ ફરિયાદ કરી હતી.
દરમિયાન, ચિરાગના પિતા અને કેન્દ્રના પ્રધાન રામ વિલાસ પાસવાન બીમાર પડ્યા અને સારવાર દરમિયાન મરણ પામ્યા. તેથી આ વખતે ચિરાગને સહાનુભૂતિના મતો પણ મળે એવી શક્યતા હોવાનું રાજકીય નિરીક્ષકો માનતા હતા. ચિરાગે એક સાથે દૂધ અને દહીં બંનેમાં પગ રાખ્યા જેવું કર્યું હતું. એણે નીતિશ કુમાર સાથેના સંબંધોનો અંત આણ્યો હતો પરંતુ પોતે ભાજપની સાથે છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના નેતા માને છે એવો પ્રચાર સતત કર્યે રાખ્યો હતો. એણે વડા પ્રધાન સાથેના પોતાના ફોટોગ્રાફ્સ પણ ચૂંટણી પ્રચારમાં વાપર્યા હતા.
નીતિશ કુમારે આ અંગે વારંવાર ભાજપના નેતાઓનું ધ્યાન ખેંચ્યું હતું પરંતુ ભાજપના નેતાઓએ આંખ આડા કાન કરી નાખ્યા હતા. નિરીક્ષકો માને છે કે આ વ્યૂહ ભાજપનો છે. કદાચ નીતિશ કુમાર આ વખતે ધાર્યાં મુજબની બેઠકો ન મેળવી શકે તો ભાજપ લોજપ સાથે બિહારમાં સત્તાની વહેંચણી કરી શકે એવી માન્યતા આ નિરીક્ષકોની હતી.