Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા આણંદ-વિદ્યાનગરમાં ખાસ અભિયાન શરૂ : રૂા.૫૮૫૦નો દંડ વસૂલ કરાયો…

શાળા-કોલેજની આસપાસ તમાકુ, પાન, મસાલાના વેચાણ કરનાર દુકાનદારો અને જાહેરમાં ધુમ્રપાન કરનાર વ્યક્તિઓ પાસે થી રૂા.૫૮૫૦નો દંડ વસૂલ કરાયો…

આણંદ : વિશ્વમાં ઘણા દેશોમાં તમાકુ સેવન વધી રહ્યું છે જેના કારણે તમાકુથી થતા રોગોનું પ્રમાણ પણ વધવા પામ્યું છે. જેમાં મુખ્યત્વે કેન્સરના રોગનું પ્રમાણ વધતું જાય છે. ખાસ કરીને યુવાનોમાં  ગુટખા, સીગારેટ, બીડી જેવી તમાકુ યુક્ત બનાવટોના વ્યસનનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આમ આ ગંભીર બાબતોને ધ્યાનમાં લઈને તમાકુના સેવનમાં ઘટાડો થાય અને લોકોનું આરોગ્ય જળવાય તે માટે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

રાજ્યનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાતમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ની કલમ-૪ મુજબ જાહેર સ્થળે ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ છે. તેમજ કલમ-૬ A હેઠળ શાળા અને કોલેજની આસપાસની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ છે જ્યારે કલમ-૬ B હેઠળ ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિઓને તમાકુની બનાવટનું વેચાણ કરવું ગેરકાયદેસર છે .

તદ્દઅનુસાર જિલ્લા કલેકટર શ્રી આર.જી. ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારના માર્ગદર્શન હેઠળ આણંદ અને વિદ્યાનગર શહેરી વિસ્તારમાં આણંદ જિલ્લા પંચાયતના આરોગ્ચ વિભાગના જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા તમાકુ અધિનિયમ હેઠળ શાળા-કોલેજની આસપાસ તમાકુ, પાન, મસાલાના વેચાણ કરનાર દુકાનદારો અને જાહેરમાં ધુમ્રપાન કરનાર વ્યક્તિઓ વિરૂદ્ધ પગલાં લેવા તાજેતરમાં જ અભિયાન હાથ ધરાયું હતું.

આ અભિયાનમાં કલમ-૪, કલમ-૬(અ) અને કલમ-૬(બ) અંતર્ગત કુલ-૩૧ વ્યક્તિઓને પાસેથી કુલ રૂા.૫૮૫૦ની રકમનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

ઉપરાંત ૧૮ વર્ષથી નાની વય ધરાવતી વ્યક્તિઓને તમાકુની બનાવટ વેચવી ગેરકાદેસર હોઈ નાની વયની વ્યક્તિને તમાકુની બનાવટ વેચનાર દુકાનદારો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી  અને આગામી દિવસોમાં પણ સખ્ત કાર્યવાહી કરી શકાય તે માટે આણંદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ ટીમોની રચના કરી છે અને આ ટીમો દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩નો ભંગ કરનાર સામે સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે એક યાદી દ્વારા જણાવ્યું છે.

Related posts

આજે વિદ્યાનગર ઈસ્કોન મંદિરમાંથી રથયાત્રા નિકળશે : શહેરમાં બપોરના ૧૨ થી ૮ સુધી કર્ફ્યુ

Charotar Sandesh

અડાસ ગામે શિક્ષકો અને ગ્રામજનોનો નવતર પ્રયોગ : પાંચ હજાર વૃક્ષો રોપણ કરવાનો નિર્ધાર…

Charotar Sandesh

આગામી નવેમ્બર માસમાં જિલ્‍લાના તમામ મતદાન મથક પર મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાશે

Charotar Sandesh