દેશને બચાવવા આજે રાત્રે 12 વાગ્યાથી સમગ્ર દેશમાં 21 દિવસનો સંપૂર્ણ લોકડાઉન : ઘર બહાર નીકળવાની મનાઈ : નરેન્દ્રભાઈની જાહેરાત : કોઈપણ છૂટછાટ નહીં : ઘરમાંથી બાહર નીકળવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ : તમામ લતા-મહોલ્લા શેરીઓ લોક કરી દેવામાં આવશે : એક પ્રકારનો કર્ફ્યુ : જનતા કર્ફયુથી વધુ સખ્તાઈથી અમલ : દેશજોગ પ્રવચનમાં જાહેરાત…
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બિમારી સામે સમગ્ર દેશને સતર્ક કરવા માટે મંગળવારે રાત્રે 8 વાગ્યે દેશવ્યાપી સંબોધન કરતાં કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ આ મહામારીને નાથવાનો એકમાત્ર ઉપાય છે. તેમણે સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરીને દેશવાસીઓને તેનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી. વર્તમાન સમયમાં વિકરાળ બની રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખી દેશમાં ઓછામાં ઓછા 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે.
તમામ તૈયારીઓ અને પ્રયાસો છતા અનેક દેશોમાં પડકાર વધી રહ્યા છે. આ અમેરિકા, ફ્રાંસ, ઈટાલી, ઈરાન જેવા દેશોના બે મહિનાના અભ્યાસથી પરિણામ જોવા મળે છે કે આ રોગમાંથી અસરકારક સામનો કરવા સામાજીક અંતર એકમાત્ર ઉકેલ છે. એટલે કે એક બીજાથી દૂર રહેવું, પોતાના ઘરે રહેવું. કોરોનાથી બચવા માટે અન્ય કોઈ વિકલ્પ કે માર્ગ નથી. કોરોનાને અટકાવવા માટે તેના સંક્રમણની સાઈકલને તોડવી પડશે. કેટલાક લોકો એવી ગેરમાન્યતા ધરાવે છે કે સોશ્યલ ડિસ્ટન્સ ફક્ત દર્દી માટે જ જરૂરી છે. આ વાત ખોટી છે. દરેક નાગરિક માટે, દરેક પરિવાર માટે, પરિવારના દરેક સભ્ય માટે છે. પ્રધાનમંત્રી માટે પણ આ બાબત એટલી જ લાગુ પડે છે. કેટલાક લોકોની ગેરમાન્યતા તમને ,તમારા માતાપિતા, બાળકો, પરિવાર, મિત્રોને અને આગળ જતા સમગ્ર દેશને મોટી મુશ્કેલીમાં નાંખી શકે છે. આ લાપરવાહી જારી રહેશે તો ભારતે તેની મોટી કિંમત ચુકવવી પડશે. આ કિંમત કેટલી ચુકવવી પડશે તેનો અંદાજ કરવો મુશ્કેલ છે. છેલ્લા બે દિવસથી દેશના અનેક ભાગો લોકડાઉન કરાયા, રાજ્યોના પ્રયાસોને ગંભીરતાથી લેવા જોઈએ.
પ્રધાનમંત્રીએ કહ્યું- આપણી પાસે અન્ય કોઈ માર્ગ નથી, દેશ, નાગરિકોને બચાવવા આ કઠોર નિર્ણય જરૂરી છે
આપણે પણ એવું માનીને ચાલવુ જોઈએ કે આપણી સામે ફક્ત આ એક જ માર્ગ છે.. આપણે ઘરમાંથી બહાર નથી નિકળવાનું…. પછી ભલે ગમે તે થઈ જાય…. પ્રધાનમંત્રીથી લઈ ગામના નાના નાગરિકને લાગુ પડે છે. ઘરની લક્ષ્મણ રેખાનું ઉ્ંલ્લંઘન ન કરવામાં આવે તો જ આપણી બચી શકીએ છીએ. તેમણે કહ્યું કે ભારત આજે એવા સ્ટેજ પર છે કે જ્યાં આપણા આજના એક્શન નક્કી કરશે કે આ રોગની તીવ્રતા કેટલી ઓછી કરી શકાશે.આ સમય ડગલેને પગલે સંયમ રાખવાનો છે. તમારે યાદ રાખવાનું છે કે “જાન હૈ તો જહાન હૈ.” આ ધૈર્ય અને અનુસાસનની ઘડી છે. જ્યાં સુધી દેશમાં લોકડાઉન છે ત્યાં સુધી પોતાનો સંકલ્પ, વચન નિભાવવાનો છે. તેમણે કહ્યું કે મારી તમને હાથ જોડીને પ્રાર્થના છે કે તમે ઘરોમાં રહીને એવા લોકો વિશે વિચારો કે જે પોતાને જોખમમાં નાંખી સેવા કરી રહ્યા છે.
ડોક્ટર, નર્સ, પોલીસ, સફાઈકામદારો, મીડિયાકર્મીઓની સેવાની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી
ડોક્ટર, નર્સ, તબીબી. એમ્બ્યુલન્સ ચલાવનાર, સફાઈકામદારો, મીડિયા કર્મીઓ આ તમામ મુશ્કેલ પરિસ્થિતિમાં બીજાની સેવા કરે છે. તમે એવા લોકો માટે પ્રાર્થના કરો કે જે તમારા વિસ્તારોને સેનિટાઈઝ કરે છે. જેને લીધે આ વાઈરસનુ નામ નિશાન મિટાવી દે છે. તમને માહિતી આપતા મીડિયાકર્મીઓનો પણ વિચાર કરો. તમારી આજુબાજુ પોલીસ કર્મચારીનો વિચાર કરો, જે તેમના પરિવારથી દૂર સતત ફરજ કરી રહ્યા છે. તેઓ ઘણી વખત કેટલાક લોકોના ગુસ્સાનો પણ ભોગ બને છે. કેન્દ્ર અને દેશભરની રાજ્ય સરકારો ઝડપથી કામ કરી રહી છે. લોકોને અસુવિધા ન હોય તે માટે સતત પ્રયત્ન કરી રહી છે. તમામ આવશ્યક ચીજવસ્તુનો પુરવઠો જળવાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને આગળ પણ કરવામા આવશે. તેમણે કહ્યું કે હું સમજી શકું છું કે આ ઘડી ગરીબો માટે આ સમય મુશ્કેલી લઈને આવી છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સામાજીક સંસ્થાઓ તેમના માટે કામ કરી રહ્યા છે. જીવન જીવવા માટે જે જરૂરી છે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવે તે સાથે જીવન બચાવવા માટે જે જરૂરી છે તેને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જ પડશે. આ વૈશ્વિક મહામારીનો સામનો કરવા દેશની સ્વાસ્થ્ય સુવિધા તૈયાર કરવા કેન્દ્ર સરકાર પગલા ભરી રહી છે. આરોગ્ય ક્ષેત્રની સંસ્થા, નિષ્ણાતો સાથે મળી કેન્દ્ર સરકાર નિર્ણય લઈ રહી છે.