૨૪ કલાકમાં ૪૧ હજાર કેસ નોંધાયા…
ન્યુ દિલ્હી : સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે ભારતમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પહેલા કોરોનાનાં કેસ ૨૪ કલાકમાં ૫૦ હજારથી વધુ સામે આવી રહ્યા હતા. જે હવે ઘટી ગયા છે. આપને જણાવી દઇએ કે, કોવિડ-૧૯ નાં ૪૧,૧૦૦ નવા કેસ રવિવાર, નવેમ્બરનાં રોજ છેલ્લા ૨૪ કલાકમાં સામે આવ્યા છે.
રવિવારે દેશમાં કોરોનાવાયરસનાં કેસ ૮૮ લાખ સુધી પહોંચ્યા છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં કોરોનાનાં નવા કેસોમાં ઘટાડો નોંધાયા છે. રવિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાવાયરસનાં ૪૧,૧૦૦ નવા કેસ નોંધાયા છે. આ સાથે, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને ૮૮,૧૪,૫૭૯ પર પહોંચી ગઈ છે. વળી, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૪૪૭ દર્દીઓનાં મોતને કારણે મૃતકોનો કુલ આંકડો ૧,૨૯,૬૩૫ પર પહોંચી ગયો છે.
નવીનતમ માહિતી અનુસાર, દેશમાં સાજા થતાં દર્દીઓની સંખ્યા ૮૨ લાખને વટાવી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં, ૪૨,૧૫૬ દર્દીઓ રિકવર થયા છે, જે દરરોજ આવતા નવા કેસની સંખ્યા કરતા વધુ છે. અત્યાર સુધીમાં, ઠકી થતા દર્દીઓની કુલ સંખ્યા વધીને ૮૨,૦૫,૭૨૮ થઈ ગઈ છે. નવા કેસોમાં ઘટાડો અને દર્દીઓની રિકવરીની સંખ્યાનાં કારણે સક્રિય કેસ નીચે આવ્યા છે. દેશમાં કોરોનાનાં એક્ટિવ ૪,૭૯,૨૧૬ છે.
કોરોના રિકવરી ૯૩.૦૯ ટકા છે જ્યારે સક્રિય દર્દીઓ ૫.૪૩ ટકા છે. મૃત્યુ દર ૧.૪૭ ટકા છે. પોઝિટિવિટી રેટ એટલે કે દૈનિક ટેસ્ટિંગમાં ચેપગ્રસ્ત કેસોનો દર ૫.૧ ટકા છે. ટેસ્ટિંગનાં આંકડા વિશે વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં ૮,૦૫,૫૮૯ કોરોનાનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧૨,૪૮,૩૬,૮૧૯ સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.