દુબઈ : મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમ ઈન્ડિયામાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ આઈપીએલ ૨૦૨૦ માં પોતાનું અને તેની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. એક સમયે પોઈન્ટ ટેબલ માં સૌથી ટોચ પર રહેનારી સીએસકેને આ વખતે પ્લેઓફમાં જવાના પણ ફાંફાં પડી રહ્યાં છે. બીજી બાજુ એમ એસ ધોનીની ફિટનેસ ને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. તેવામાં ધોનીની એક તસવીરે ફરી એકવાર ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. આઈપીએલ-૨૦૨૦માં સતત એવી તસવીરો આવી રહી છે જે એ વાતનો ઇશારો કરે છે કે આ કેપ્ટન કૂલની અંતિમ IPL હોઈ શકે છે. આ ઇશારો બીજા કોઈ તરફથી નહીં પણ તેની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ધોનીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ગત શુક્રવારે ચેન્નઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સનો ૧૦ વિકેટે પરાજય થયો હતો. મેચમાં પરાજય છતા એમએસ ધોનીએ પોતાના નામ અને નંબર વાળી જર્સી વિરોધી ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યાને આપી હતી. આઈપીએલ ૨૦૨૦ની કોઈ મેચ પછી ધોનીના નામ અને નંબર વાળી જર્સી વિરોધી ટીમના ખેલાડીઓને સોંપી હોય તેવું પહેલી વાર બન્યું નથી. આ અગાઉ રાજસ્થાન રોયલ્સના બ્રિટિશ ખેલાડી જોસ બટલરને ધોનીના ૭ નંબર વાળી ટીશર્ટ ભેટ કરવામાં આવી હતી. ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે મેચ હારી ગઈ હતી. ધોનીની જેમ જોસ બટલર પણ વિકેટકીપર છે. ધોનીની આ સ્પેશ્યલ ભેટે એ અટકળો જ અગાવી છે કે કદાચ આ તેની અંતિમ IPL હોઈ શકે છે. આ પહેલા કોઈપણ ટૂર્નામેન્ટમાં એવું ક્યારેય જોવા મળ્યું નથી જ્યારે કોઈ ખેલાડીના નામ અને નંબરવાળી જર્સી બીજી ટીમના ખેલાડીઓને આપવામાં આવી હોય. ધોનીની આ સ્પેશ્યલ જર્સી પછી સોશિયલ મીડિયા પર લોકો સક્રિય થઈ ગયા છે. એક યૂઝરે લખ્યું કે- આખરે આ ટી-શર્ટ કેમ આપવામાં આવી રહી છે? બની શકે કે આ લિજેન્ડની થોડી જ મેચો બચી હોય. તમારી ખોટ પડશે.