લોકડાઉન વખતે પગાર નહિ આપનાર ઉદ્યોગોને સુપ્રિમ કોર્ટની રાહત…
રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરે, કંપનીઓ અને મજૂરોને એક-બીજાની જરૂર, જવાબ રજૂ કરવા કેન્દ્ર સરકારને આપ્યો ચાર સપ્તાહનો સમય, જો કે કામ બંધ થવા પર મજુરોને પૂરો પગાર મળશે કે નહિ એનો અંતિમ ફેંસલો બાકી…
ન્યુ દિલ્હી : લોકડાઉનના સમયગાળામાં કર્મચારીઓનો પગાર નહીં કાપવામાં અંગે કેન્દ્રના ગૃહમંત્રાલયના આદેશ સામે ખાનગી કંપનીઓએ કરેલી રીટ અરજીની વધુ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો.જેમાં જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે અમે ગત વખતે આદેશ આપ્યો હતો કે કંપનીઓની વિરુદ્ધ કોઈ સખ્ત કાર્યવાહી ન કરવામાં આવે. કોર્ટનો એ આદેશ ચાલુ રહેશે. રાજ્ય સરકારોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરશે. કોર્ટનું સુચન હતું કે, કંપનીઓ અને મજૂરોને એક-બીજાની જરૂર છે, તેથી વેતન વિવાદને ઉકેલવાની કોશિશ કરવી જોઇએ.
લોકડાઉન વખતે ગૃહ મંત્રાલયે ૨૯ માર્ચે કહ્યું હતું કે કંપનીઓ-પેઢીઓ અને ઉદ્યોગકારો દ્વારા તેમના કર્મચારીઓને લોકડાઉનના સમયગાળાનો પૂરો પગાર આપવામાં આવે. કેટલીક ખાનગી કંપનીઓએ આ આદેશને કોર્ટમાં પડકાર્યો હતો. તેમનું કહેવું હતું કે લોકડાઉનમાં કામ બંધ થવાના કારણે આર્થિક મુશ્કેલી છે. અને પગાર આપી શકાય તેમ નથી.
જસ્ટિસ અશોક ભૂષણ એવુ અવલોકન કર્યું હતું કે, કોઈ ઉદ્યોગ કામદારો વિના ટકી શકશે નહીં. આથી નોકરીદાતાઓ અને કર્મચારીએ વાટાઘાટો કરવાની અને એકબીજાની વચ્ચે સમાધાન કરવાની જરૂર છે. જો તેઓ એકબીજા સાથે સમાધાન કરી શકતા નથી, તો તેઓએ મુદ્દાઓનું સમાધાન લાવવા માટે સંબંધિત મજૂર અધિકારીઓનો સંપર્ક કરવાની જરૂર છે …”
સુપ્રીમ કોર્ટે ૩ આદેશ આપ્યા હતા તેમાં ૧.કોઈ કંપની તેના કર્મચારીઓને લોકડાઉન પીરિયડનું પુરુ પેમેન્ટ ન કરી શકે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી ન કરવામાં આવે. ૨.રાજ્ય સરકારો કંપનીઓ અને કર્મચારીઓની વચ્ચે મધ્યસ્થતા કરે અને શ્રમ આયુક્તને તેનો રિપોર્ટ સુપરત કરે. અને ૩.કેન્દ્ર સરકાર ૪ સપ્તાહમાં સોગંદનામુ રજૂ કરીને ૨૯ માર્ચે સર્ક્યુલરની કાયદેસરતા અંગે જણાવે.
કોર્ટે સુનાવણી વખતે એવી પણ ટિપ્પણી કરી હતી કે કંપનીઓ અને મજૂરોને એક-બીજાની જરૂર હોય છે. પેમેન્ટ વિવાદના ઉકેલની કોશિશ કરવી જોઈએ.
જસ્ટિસ ભૂષણ, જસ્ટિસ કિશન કૌલ અને જસ્ટિસ એમ આર શાહની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. બેન્ચે ૪ જૂને ચૂકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે કર્મચારીઓને સેલેરી આપ્યા વગર છૂટા ના કરી શકાય. . કંપનીઓની પાસે પૈસા ન હોય તો સરકાર મધ્યસ્થી કરી શકે છે. કોર્ટે એ પણ કહ્યું હતું કે સેલેરીનું ૫૦ ટકા પેમેન્ટ પણ કરી શકાય. ૨૬ મેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે એક સપ્તાહમાં સોગાંદનામુ કરીને જવાબ આપવામાં આવે. સરકારે ૪ જૂને કહ્યું હતું કે જે કંપનીઓ સેલેરી આપવામાં મુશ્કેલી થઈ રહી હોવાની વાત કરી રહી છે તેમને પોતાની ઓડિટેડ બેલેન્સ શીટ કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપવો જોઈએ.