મુંબઈ : દેશમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે અને આ જ કારણે બોલિવૂડ તથા ટીવી સ્ટાર્સ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે. આમિર ખાન બાદ હવે આર માધવનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માધવને ’૩ ઈડિયટ્સ’ને યાદ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણ કરી હતી.
માધવને પોતે કોરોના પોઝિટિવ છે, તે વાત એકદમ યુનિક રીતે શૅર કરી હતી. માધવને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું, ’ફરહાન રેન્ચોને ફોલો કરે છે અને વાઇરસ પણ અમારી પાછળ હોય છે, પરંતુ આ વખતે તેણે અમને પકડી પાડ્યા. જોકે, મને સારું છે. કોવિડ પણ સારો થઈ જશે. આ એક એવી જગ્યા છે કે અમે નથી ઈચ્છતા કે રાજુ આવે. તમારા પ્રેમ માટે આભાર.’
માધવન, આમિર તથા શરમન જોષીએ ’૩ ઈડિયટ્સ’માં કામ કર્યું હતું. માધવને ફરહાન, આમિરે રેન્ચો તથા શરમને રાજુનો રોલ પ્લે કર્યો હતો. બમન ઈરાનીએ વીરુ સહસ્ત્રબુદ્ધિ (વાઇરસ)ની ભૂમિકા ભજવી હતી. રાજકુમાર હિરાનીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ૨૦૦૯માં રિલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી.