Charotar Sandesh
ઈન્ડિયા

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ : નાગપુરમાં લૉકડાઉન જાહેર…

  • નાગપુરમાં ૧૫ માર્ચથી ૨૧ માર્ચ સુધી સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરાશે…
  • સાત દિવસ ફક્ત જીવજરિયાતની વસ્તુઓની દુકાનો ખૂલી રહેશે, અન્યત્ર સદંતર લૉકડાઉન રહેશે…
  • છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૧૩,૬૫૯ નવા કેસ નોંધાયા : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો…

નાગપુર : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે નાગપુર સિટીમાં ૧૫ માર્ચથી ૨૧ માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નીતિન રાઉતના જણાવ્યા અનુસાર, સાત દિવસના લોકડાઉનમાં જીવનજરુરી સેવાઓ ચાલુ રહેશે.
સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, સાત દિવસના લોકડાઉનમાં શાકભાજી, ફ્રુટ, દૂધ તેમજ દવાની દુકાનો ખૂલ્લી રહેશે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ એ વાતના સંકેત આપ્યા છે કે છેલ્લા એક મહિનાથી રાજ્યમાં કેસો સતત વધી રહ્યા છે ત્યારે બીજા પણ કેટલાક વિસ્તારોમાં લોકડાઉન આવી શકે છે.
આજે કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં બીજા પણ કેટલાક સ્થળો પર લોકડાઉન જાહેર કરવું પડે તેવી સ્થિતિ છે. તે અંગેનો નિર્ણય આગામી દિવસોમાં લેવામાં આવશે. નાગપુરમાં શહેર પોલીસ કમિશનર કચેરીના તાબા હેઠળ આવતા તમામ વિસ્તારોમાં લાગુ પડશે.
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં સોમવારથી રાત્રે આઠથી સવારે આઠ સુધી જનતા કરફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નાગપુરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૬૫૯ કેસ નોંધાયા છે જે દેશના ૬૦ ટકા જેટલા થવા જાય છે.
રાજ્ય સરકારે નાઈટ કરફ્યુથી લઈને આંશિક લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય જે-તે જિલ્લા તેમજ શહેરના સ્થાનિક તંત્ર પર છોડ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને કાબૂમાં લેવા માટે સાત મુદ્દાનો કાર્યક્રમ બનાવ્યો છે. જેમાં દર્દીના નજીકના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટિંગ, ઝડપી કોન્ટેક્ટ ટ્રેસિંગ, માસ ટેસ્ટિંગ અને હોટ સ્પોટ્‌સ તેમજ કોરોનાથી થતા મોતના ઓડિટનો સમાવેશ થાય છે. તમામ જિલ્લાને આ કાર્યક્રમ પર કામ કરવા માટે જણાવાયું છે.
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્ર ઉપરાંત કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં કેસો સતત વધી રહ્યા છે. આ છ રાજ્યોમાં જ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં નોંધાયેલા ૨૨,૮૫૪ કેસોના ૮૫ ટકા કેસ નોંધાયા છે.
ગયા વર્ષે ૧૧ માર્ચના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી હતી. જેને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. જોકે, દેશમાં કોરોના એક સમયે કાબૂમાં આવ્યા બાદ હવે કેટલાક રાજ્યોમાં ફરી વકરી રહ્યો છે. રાહતની વાત એ છે કે, હાલ વેક્સિનેશન પણ શરુ કરી દેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાવાયરસના રેકોર્ડ નવા કેસ નોંધાયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેમ છતાં કોરોના સંક્રમણના આ નવા કેસો વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં, કોરોનાના ૧૩,૬૫૯ નવા કેસ નોંધાયા છે.

Related posts

દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતનું 81 વર્ષની વયે નિધન…

Charotar Sandesh

હિંસા કરનારાઓનું નામ એફઆઈઆરમાં આવશે તો અગ્નિવીરોને પડશે આ મુશ્કેલી : સેનાની ચેતવણી

Charotar Sandesh

દેશમાં ’કોરોના ઘાત’ : ૨૪ કલાકમાં અધધ… ૪૦ હજાર પોઝિટિવ કેસ…

Charotar Sandesh