મુંબઇ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે જણાવ્યું હતું કે તેઓ માત્ર આર્થિક બાબતોને ધ્યાનમાં રાખી લોકડાઉનને સંપૂર્ણપણે ઉઠાવવાનો નિર્ણય લેવાની તરફેણમાં નથી. ઠાકરેએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય અને આર્થિક બાબતો વચ્ચે સંતુલન જાળવવું જરુરી છે.
હાલ કોરોનાથી પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલા નિયંત્રણો ૩૧મી જુલાઈએ સમાપ્ત થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં દેશના સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયેલા છે. તાજેતરમાં જ પુણેમાં જડબેસલાક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. રાજ્યના સીએમ જણાવ્યું હતું કે લોકડાઉન સંપૂર્ણપણે ઉઠાવી લેવાય તેવું તેઓ ક્યારેય નહીં કહે. તેના બદલે નિયંત્રણોને ધીરે-ધીરે ઉઠાવાશે. એકવાર બધું ચાલુ થઈ જાય ત્યારબાદ બંધ ના થવું જોઈએ.
શિવસેનાના મુખપત્ર સામનામાં છપાયેલા ઈન્ટર્વ્યુમાં ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન આપ્યું હતું. ઠાકરેએ એમ પણ જણાવ્યું હતું કે કોરોના વૈશ્વિક મહામારી છે. જે દેશોએ ઉતાવળે લોકડાઉન ઉઠાવ્યું તેમને ફરી તેને લાગુ કરવાની ફરજ પડી છે. ઓસ્ટ્રેલિયામાં લોકડાઉનનું પાલન કરાવવા આર્મી ઉતારવાની ફરજ પડી છે.
ઠાકરેએ કહ્યું હતું કે ઘણા લોકો લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે. તેઓ એવા આક્ષેપ કરી રહ્યા છે કે લોકડાઉનને લીધે અર્થતંત્ર પ્રભાવિત થઈ રહ્યું છે. આવા લોકોને હું કહેવા માગીશ કે હું લોકડાઉન ઉઠાવી લેવા તૈયાર છું, પરંતુ તેના લીધે જો લોકો મરશે તો તેની જવાબદારી કોણ લેશે? અર્થતંત્રની ચિંતા અમને પણ છે.