વાપી : વાપી સહિત વલસાડ જિલ્લામાં હાલ રેમડેસિવિર ઇન્જેકશનો મળી રહ્યાં નથી. સરકારના પ્રયાસો છતાં પણ કોરોનાના દર્દીના સંબંધીઓ રેમડેસિવિર માટે દોડાદોડી કરી રહ્યાં છે. ત્યારે મુળ વાપીની હાલ અમેરિકા રહેતી મહિલા તબીબે ૩૫ કરોડના રેમડેસિવિર ભારત સરકારને મોકલ્યા છે.જેના કારણે કોરોનાના દર્દીને મોટી રાહત મળશે. અનાવિલ સમાજની દિકરીની આ કામગીરીથી સમાજના આગેવાનો અને સંસ્થાઓ તેમને બિરદાવી રહ્યાં છે.
દેશભરમાં કોરોના મહામારીમાં અનેક લોકો કોરોનાના કારણે મોતને ભેટયા છે. હાલ ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેકશનોની અછત ઊભી થઇ છે. આવા સંકટના સમયે મુળ વાપીની હાલ અમેરિકાની મહિલા તબીબ આગળ આવ્યાં છે. પારડી તાલુકાના દશવાડા ગામની વહુ અને પરીયા ગામના સુભાષભાઈ છોટુભાઈ દેસાઈની દીકરી રૂપા દેવાંગ કાળીદાસભાઈ દેસાઈએ અમેરિકા થી ભારત સરકારને કોવિદ-૧૯ ની સારવાર અર્થે રૂ.૩૫ કરોડ મૂલ્યના રેમડેસિવિર ઈન્જેકશનનું કન્સાઈન્મેન્ટ દાન સ્વરૂપે મોકલ્યા છે.
મુંબઈની કેતન અને પાર્થવ નામના વ્યક્તિની એસ.કે. એજેન્સીઝે કસ્ટમમાંથી ક્લિયર કરાવી ભારત સરકારને જરૂરિયાતમંદ લોકો માટે વિતરણ માટે સોંપવામાં આવ્યુ હતું. અમેરિકામાં તબીબ રૂપા દેવાંગ નાયક દશવાડાના કાળીદાસ નાયક ના પુત્રવધુ છે જેઓ અગાઉ મફતલાલ ગ્રુપમાં મુંબઈ ખાતે વાઈસ પ્રેસિડેન્ટના હોદ્દા પર હતા. આ રૂ.૩૫ કરોડના દાન થકી અનાવિલ પરિવારે અનાવિલ સમાજનું નામ રોશન કર્યું છે.
અમેરિકાની મહિલા તબીબ રૂપાબેનના મામા કિરણભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૫ વર્ષથી તેઓ અમેરિકામાં સ્થાયી થયા છે. રૂપાબેનના પતિ મેડિકલ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક છે. આમ મહિલા તબીબે રેમડેસિવિરની અછત વચ્ચે માનવતા મહેકાવી છે. કારણ કે, છેલ્લા થોડા દિવસોથી વલસાડ જિલ્લામાં અને સમગ્ર દેશમાં આ ઇન્જેકશનની અછત છે. આવા સમયે મહિલાએ રેમડેસિવિરનો રૂ. ૩૫ કરોડનો જથ્થો મોકલાવ્યો છે. જે સખાવતને લોકો બિરદાવી રહ્યા છે.
વાપી અને વલસાડ જિલ્લામાં કોરોના કાળમાં રેમડેસિવિર ઇન્જેકશનના અભાવે અનેક દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. હવે જયારે મૂળ વાપીની અને હાલ અમેરિકામાં તબીબના વ્યવસાય સાથે સંકળાયેલી અનાવિલ મહિલાએ જે ઇન્જેકશનનો જથ્થો ભારત મોકલ્યો છે તેનો લાભ વાપી અને જિલ્લાના દર્દીઓને થશે.
દ્ગઇૈં અનાવિલની દીકરી એ સમાજ નું ગૌરવ વધાર્યું છે. વતન પરસ્તી નિભાવી અમેરિકાથી ૩૫ કરોડના રેમડેસિવિર ઈન્જેકશન મોકલ્યાછે. પારડી દશવાડા ગામના અનાવિલ સમાજના અગ્રણીઓએ દીકરી રૂપા નાયકને અભિનંદન પાઠવ્યા હતાં. અનાવિલ મહિલાએ વતન પ્રેમને સાર્થક કર્યો હતો.