પોરબંદર, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ અને કચ્છમાં હીટવેવ રહેશે…
ગાંધીનગર : રાજ્યના વિવિધ શહેરોમાં હજુ લઘુત્તમ તાપમાનનો પારો ૨૨ ડિગ્રીની આસપાસ રહેતા પરોઢે સામાન્ય ઠંડક વર્તાઈ રહી છે. મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રીની આસપાસ રહેતા બપોરે ગરમીનો અહેસાસ થાય છે. હોળી સમયે ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના વિવિધ ભાગો અને દરિયા કિનારાના વિસ્તારોમાં હીટવેવની વકી છે, જેના કારણે તાપમાનમાં વધારો થશે. જ્યારે આગામી ૨૮ માર્ચ બાદ અમદાવાદમાં યલો એલર્ટની સંભાવના છે. અમદાવાદમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર જઈ શકે છે. મતલબ કે, આગામી અઠવાડિયામાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે.
હાલ રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે અને હજુ પણ ગરમી વધશે. સૂર્યના પ્રકોપથી મહત્તમ તાપમાન આગામી ૪ દિવસમાં ૩થી૪ ડિગ્રી વધશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ દરમિયાન હીટવેવ રહેશે. જેમાં ૨૭ માર્ચથી પોરબંદર, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ અને કચ્છમાં હીટવેવ રહેશે. ૨૭ અને ૨૮ માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તાલુકામાં પણ ગરમ પવન ફૂંકાશે.
રાજ્યમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે અને હીટવેવની આગાહીના કારણે દરિયા કિનારા વિસ્તારનું તાપમાન વધશે. જેના કારણે કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.
ઉનાળામાં દરિયાકાંઠાનું તાપમાન સામાન્ય રહેતું હોય છે એટલે કે ૩૭ ડિગ્રીની આસપાસ રહે છે. પરંતુ માર્ચ મહિનામાં દરિયા કિનારાનું તાપમાન ૩૭ ડિગ્રી ઉપર નોંધાયું છે. ઉનાળાની શરૂઆતથી દરિયા કિનારા વિસ્તારમાં બીજી વખત હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. પોરબંદરનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી પર પહોંચ્યું છે. જેથી દરિયા કિનારે જતા લોકોને ગરમીની સાથે અસહ્ય બફારો સહન કરવો પડે તેવી શક્યતા છે.