Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં ૫ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી,સુરત-વડોદરા પર પૂરનો ખતરો…

રાજ્યના ૬૮ તાલુકા પૈકી સૌથી વધુ મુન્દ્રામાં ૪ ઈંચ વરસાદ…

ગાંધીનગર : આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યના ૬૮ તાલુકામાં સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યાના સમયગાળા દરમિયાન વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૪ ઈંચ વરસાદ કચ્છના મુન્દ્રામાં નોંધાયો છે. ઉપરાંત કચ્છના ગાંધીધામ અને વલસાડના ધરમપુરમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના સુબિરમાં ૨ ઈંચ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક ઈંચ વરસાદ પડ્યો છે. છોટા ઉદેપુરમાં ૧૭ મિમિ, રાજકોટના ધોરાજી અને ઉપલેટામાં ૧૩ મિમિ, સાબરકાંઠાના પોશીના, તાપીના ઉચ્છલ, અરવલ્લીના મોડાસા, છોટા ઉદેપુરના જેતપુર પાવી, ડાંગના વધઈ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને વડોદરાના પાદરામાં ૧૧ મિમિ તથા કચ્છના માંડવીમાં ૧૦ મિમિ વરસાદ નોંધાયો છે. ગઈકાલે રાજ્યનો સૌથી વધુ ૭ ઈંચ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો હતો.

રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી ૫ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી ૪૮ કલાક ભારે વરસાદ ખાબકી શકે છે. જોકે આગામી ૫ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. ૧૬ ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, દ્વારકા, પોરબંદર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૭ ઓગસ્ટના ફરી વરસાદની તીવ્રતા વધી જશે. જેના કારણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, દ્વારકા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે.

૧૮ ઓગસ્ટના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અન્ય જિલ્લામાં માધ્યમથી સામાન્ય વરસાદ રહશે. ૧૯ ઓગસ્ટના કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અન્ય જિલ્લામાં પણ વરસાદ રહેશે.
સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદના કારણે ખાડીઓ ઓવરફલો થઇ છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ની સ્થિતિ સર્જાઈ છે. હવામાન ખાતા મુજબ આવનાર પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેને લઇ સુરત મહાનગર પાલિકા તંત્ર એલર્ટ થઈ ગયું છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. ઉકાઈ ડેમમાંથી વધુ પાણી છેડવામાં આવી રહ્યું છે.

વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વડોદરા શહેર અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વડોદરા શહેરની જીવાદોરી સમાન આજવા ડેમની સપાટી વધીને ૨૦૮.૫૦ ફૂટ થઇ છે અને વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી વધીને ૧૦ ફૂટે પહોંચ્યા બાદ ફરી ઘટીને ૯.૭૫ ફૂટ થઇ ગઇ હતી. આજવા સરોવરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હવે જેમ વિશ્વામિત્રીની જળ સપાટી વધશે તેમ તેમ વડોદરામાં પૂરનો ખતરો વધતો જશે.

Related posts

ગુજરાતમાં આફત બન્યો વરસાદ ! અત્યાર સુધી ૧૦૨ લોકોના મોત, પશુઓના મોતનો આંક ચોંકાવનારો, જુઓ

Charotar Sandesh

ડીજે સાઉન્ડ બંધ કરાવવા ગયેલા પોલીસકર્મી પર હુમલો, પીએસઆઈ ઈજાગ્રસ્ત

Charotar Sandesh

પૂરના નામે શાકભાજીમાં પણ ગ્રાહકો પાસેથી બમણા ભાવ પડાવતા વેપારીઓ…

Charotar Sandesh