વડોદરા : રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યાં છે. જો કે, કોરોના કેસ વધવાની સાથે સરકાર દ્વારા કોરોના ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે. ત્યારે વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૬ કેસ નોંધાયા છે. વડોદરાની મામલતદાર કચેરીમાં કોરોનાની એન્ટ્રી થઇ છે. નાયબ મામલતદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહી છે.
વડોદરાની મામલતદાર કચેરીમાં કોરોનાની એન્ટ્રી થતા તંત્ર દોડતું થયું છે. નાયબ મામલતદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મામલતદાર કચેરીના તમામ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહી છે. કોરોનાએ એન્ટ્રી મારતા જ મામલતદાર (પૂર્વ) કચેરી બંધ કરી દેવામાં આવી છે.
ત્યારે સમાજ સુરક્ષા અને વિધવા સહાયને લગતી તમામ કામગીરી ૧૫ ઓગસ્ટ સુધી બંધ કરવામાં આવી છે. તો બીજી તરફ વડોદરા જિલ્લાની સેન્ટ્રલ જેલમાં કોરોનાએ પગપેસારો કરતા તંત્ર દાડતું થયું છે. સેન્ટ્રલ જેલમાં ૮૦ બેડનું કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આશે. જેને લઇને તંત્ર દ્વારા કોવિડ હેલ્થ સેન્ટર ઉભું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શનિવાર સુધીમાં જેલમાં કોરોના દર્દીઓની સારવાર શરૂ કરી દેવાશે. જો કે, હાલ જેલમાં એક એમડી અને ચાર એમબીબીએસ સહિત પાંચ ડોક્ટરો ફુલટાઇમ સર્વિસ આપી રહ્યાં છે. અત્યાર સુધીમાં જેલમાં કુલ ૬૧ કેદીઓ કોરોના સંક્રમિત થયા છે.