કુલ ૧૮૪૩ રિકવર સાથે ૭૩ ટકાથી વધુ ડિસ્ચાર્જ થયા…
વડોદરા : મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, આજે કોરોનાની સારવાર દરમિયાન મહિલા સહિત વધુ ચારના મોત થયા છે. શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક ૨૫૨૦ પર પહોંચી ગયો છે. ગતરોજ શહેરની વિવિધ હોસ્પિટલોમાંથી ૫૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા ૧૮૪૩ પર પહોંચી ગઇ છે. ટકાવારીની દ્રષ્ટિએ ૭૩ ટકાથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
શહેરમાં વિવિધ હોસ્પિટલોમાં ૬૨૦ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. જે પૈકી ૧૧૯ને ઓક્સિજન પર અને ૩૩ને બાયપેપ અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. પીટીએસમાં શુક્રવારે એક સાથે ૧૯ તાલીમાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શનિવારે ફરી ૨૫ને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા એસએસજીમાં લવાયા હતા. તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે. પીટીએસના આચાર્ય હિતેન્દ્ર ચૌધરીના જણાવ્યા અનુસાર પીટીએસમાં તાલીમ ૭ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. અને આઇસોલેશનમાં રાખેલા તાલીમાર્થીઓની સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.