સાવલી-ડેસર એપીએમસીના પ્રમુખનો રિપોર્ટ પોઝિટિવ : વડોદરામાં કોરોનાની સારવાર દરમિયાન વધુ ૮ દર્દીના મોત…
વડોદરા : વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે અત્યાર સુધીના સૌથી વધુ ૯૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક ૪૨૯૦ પર પહોંચી ગયો છે. વડોદરામાં આજે વધુ ૩૨ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૩૨૯૫ દર્દી રિકવર થયા છે અને આજે વધુ ૨ દર્દીના મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક ૭૯ થયો છે. વડોદરામાં અત્યારે કુલ ૯૧૬ એક્ટિવ કેસ છે, જે પૈકી ૧૨૨ ઓક્સિજન ઉપર અને ૩૮ વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને ૭૫૬ દર્દીની હાલત સ્થિર છે.
વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે ૮ દર્દીના મૃત્યું થયા છે. જેમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઇની ૬૪ વર્ષીય મહિલા અને વાઘોડિયા તાલુકાની ૬૫ વર્ષીય મહિલાનું મોત થયું છે. આ ઉપરાંત ગોધરાના ૪૩ વર્ષીય દર્દીનું, તાંદલજાના ૬૨ વર્ષીય વૃદ્ધનું, આજવા રોડના ૪૨ વર્ષીય મહિલાનું, આજવા રોડના ૬૨ વર્ષીય વૃદ્ધનું મોત, દંતેશ્વરના ૬૫ વર્ષીય વૃદ્ધનું અને રાવપુરા વિસ્તારની ૫૮ વર્ષીય મહિલાનું મોત થયું છે.
વડોદરા જિલ્લાની સાવલી-ડેસર એપીએમસીના પ્રમુખ રાજેશભાઇ પટેલનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે એપીએમસીના હોદ્દેદારોમાં દોડધામ મચી ગઇ છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના રોજેરોજે ૨૦થી ૩૦ જેટલા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં આજે કોરોનાના વધુ ૨૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા ૮૩૭ ઉપર પહોંચી ગઇ છે. પંચમહાલ જિલ્લામાં આજે ૧૨ અને નર્મદા જિલ્લામાં આજે વધુ ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે.