મહીસાગર : મહીસાગર નદીમાં આવેલા પૂરને પગલે વડોદરા અને ખેડા જિલ્લાને જોડતા વરસડા-ગળતેશ્વર વચ્ચેના મહીસાગર નદી પરના લો લેવલ બ્રિજને નુકસાન થયું હતું. જેને પગલે સમારકામ માટે બ્રિજને ૧૪ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. જોકે વાહનચાલકોને નદીની સામે પાર જવા માટે ૨૦ કિ.મી.નો ફેરો પડતો હોવાથી બ્રિજનું કામ ઝડપથી પતાવીને શરૂ કરી દેવામાં આવ્યો છે. બ્રિજની આજુબાજુમાં પડેલા ખાડા પૂરી દઇને હાલ વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યો છે. અને બાકીનું કામ વાહન વ્યવહાર ચાલુ હશે તે દરમિયાન કરવામાં આવશે. વાહનો માટે ખુબ મોટો ડાઇવર્ઝન હોવાથી નિર્ણય લેવાયો છે.
અંબાવ, અંગાડી, સેવાલીયા, ઉદલપુર, વેજપુર, અને વાલાવાવ જવુ પડતુ હતું. જોકે બ્રિજ પરથી અંબાવથી સીધુ ડેસર તાલુકાનું વરસડા વાલાવાવ જઇ શકાય છે. પૂરની સ્થિતિને પગલે બ્રિજના વેરિંગ કોટ અને કર્બ તથા ગાર્ડ બ્લોકને નુકસાન થયું હતું, જેથી બ્રિજને વાહન વ્યવહારની અવરજવર માટે ૧૪ દિવસ બંધ રાખીને જરૂરી સમારકામ કરીને ચાલુ કરવાની જાહેરાત આરએનબી દ્વારા કરવામાં આવી હતી અને અંબાવ ગળતેશ્વર રોડથી ડેસર તાલુકા તરફ જતો ટ્રાફિક અંબાવથી વાયા સેવાલિયા ઉદલપુર ચોકડી થઇને વાલાવાવ ચોકડી,
ડેસર તરફ ડાયવર્ટ કરવા જણાવાયું હતું. જોકે હવે બ્રિજને રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેને પગલે વાહનચાલકોમા ખુશી વ્યાપી ગઇ છે. બ્રિજ ઉપરથી ૬ ફૂટ જેટલું પાણી વહેતા ડેસર અને ગળતેશ્વર તાલુકાનો સંપર્ક ૨૯ ઓગસ્ટથી જ કપાઇ ગયો હતો. ડેસર મામલતદાર પી.સી. ભગત, તાલુકા વિકાસ અધિકારી ડી.ટી. લાડુમોર, નાયબ મામલતદાર ભરત પારેખ, અને વરસડા ગામના તલાટી-કમ-મંત્રી રાજુભાઈ પટેલીયાએ બ્રિજ ઉપરથી પાણી વહેતા તકેદારીના ભાગરૂપે દર કલાકે માહિતી મેળવીને બાજનજર રાખી હતી.