Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

સરકારી અનાજ બારોબાર સગેવગે કરતા નવ દુકાનદારો પાસેથી રૂા. ૫૫.૩૭ લાખનો દંડ વસુલ કરાયો…

આણંદ શહેરની સસ્‍તા અનાજની દુકાનોના સંચાલકો ગેરરીતિ આચરવામાં હાઇટેક બન્‍યા…
આવી નકલી ફીંગર પ્રિન્‍ટ બનાવી સરકારી અનાજ સગેવગે કરનાર આણંદ શહેરના નવ દુકાનદારોના પરવાના કાયમી ધોરણ રદ કરાયા…

આણંદ : આણંદ શહેરની સસ્‍તા અનાજની દુકાનોના સંચાલકોએ ગેરરીતિ આચરવામાં હાઇટેક બન્‍યા હોવાનું બહાર આવ્‍યું છે.

વાજબી ભાવની દુકાનોએથી જરૂરિયાતમંદ લાભાર્થી રેશનકાર્ડ ધારકોને આપવાપાત્ર થતો અનાજનો જથ્‍થો આણંદ શહેરના વાજબી ભાવના નવ દુકાનના સંચાલકોએ રેશનકાર્ડ ધારકોની બનાવટી ફીંગર પ્રિન્‍ટ બનાવી જે રેશનકાર્ડ ધારકો રેશનીંગનું અનાજ લેવા ન આવ્‍યા હોય તેવા રેશનકાર્ડ ધારકોની જાણ બહાર તેમના (રેશનકાર્ડ ધારકોના) ખોટા બીલ બનાવી સરકારી અનાજ બારોબાર સગવગે કરવના ગુના સબબ ડીસેમ્‍બર-૨૦૧૯માં સાયબર ક્રાઇમ પોલીસ, અમદાવાદ દ્વારા આણંદ શહેરના આવા નવ દુકાનદારોની સંડોવણી હોવાનું જણાઇ આવતાં ધરપકડ કરવામાં આવી હતી.

આણંદ શહેરના જે સસ્‍તા અનાજની નવ દુકાનદારોના સંચાલકો  છે તેમાં જોઇતારામ કે. સરગરા, રમેશચંદ્ર એફ. મોહનાની, પ્રફુલભાઇ એમ. ઠાકોર, ચેનતકુમાર એમ. તુલસાણી, મનહરભાઇ કે. સોલંકી, મેનેજરશ્રી, એલ્‍વે એમ્‍પ્‍લો. ક.કો.ઓ.સો.લિ., વિનોદભાઇ આર. વાઘેલા, દિલીપભાઇ એન. પટેલ અને ગંગારામ એસ. વસાવાનો સમાવેશ થાય છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસના અહેવાલને ધ્‍યાને લઇ જિલ્‍લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણિયાએ જાહેર વિતરણ વ્‍યવસ્‍થાને ખોરવી નાંખી રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદાથી સુરક્ષિત થયેલ રેશનકાર્ડ ધારકોના હકકનું અનાજ સગેવગે કરવાના ગુનામા સંડોવાયેલ આ નવ દુકાનદારોના પરવાના તાત્‍કાલિક અસરથી ૯૦ દિવસ માટે મોકૂફ કર્યા હતા.

ત્‍યારબાદ જિલ્‍લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણિયાએ આણંદ શહેર મામલતદાર
શ્રી કેતનભાઇ રાઠોડના નેતૃત્‍વમાં ચાર ટીમો બનાવી હતી જેઓએ આણંદ શહેરની આ નવ દુકાનદાર સંચાલકોની વિગતવાર તપાસ કરવા અંગેનો હુકમો કર્યા હતા.

આ તપાસણી ટીમમાં જિલ્‍લા પુરવઠા અધિકારી કચેરીના મુખ્‍ય પુરવઠા નિરીક્ષક શ્રી વી. એમ. પટેલ, પી.એમ.પટેલ, હેડ કલાર્ક રણજીતભાઇ ભરવાડ, નાયબ મામલતદાર (પુ) આણંદ શહેર બિપીનભાઇ શાહ તથા અન્‍ય કર્મચારીઓની ચાર ટીમો દ્વારા આ નવ દુકાનદારોના કુલ રેશનકાર્ડ ધારકો તથા તેમના દ્વારા વાજબી ભાવની દુકાન પરથી લેવામાં આવેલ જથ્‍થા અંગેની વિગતવાર અને સઘન તપાસ કરવામાં આવી હતી.

આ ચાર ટીમો દ્વારા તપાસ પૂર્ણ થતાં આણંદ શહેરના મામલતદાર શ્રી કેતનભાઇ રાઠોડે જિલ્‍લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણિયાને આણંદ શહેરની આ નવ દુકાનો દ્વારા આચરવામાં આવેલી વિવિધ ગંભીર ગેરરીતિઓને ધ્‍યાને લઇને શિક્ષાત્‍મક કાર્યવાહી કરવાનો અહેવાલ રજૂ કર્યો હતો.

આ અહેવાલના આધારે આણંદ શહેરની આ નવ દુકાનદારોના સંચાલકોને કારણદર્શક નોટીસ પાઠવી સુનાવણી યોજવામાં આવી હતી. આ તમામ વિગતોને ધ્‍યાને લઇ આ નવ દુકાનદારોના સંચાલકો દ્વારા ડુપ્‍લીકેટ ફીંગર પ્રિન્‍ટ બનાવી રેશનકાર્ડ ધારકોનો જથ્‍થો બારોબાર સગેવગે કરી જાહેર વિતરણ વ્‍યવસ્‍થા  તથા આધાર આધારિત વિતરણ વ્‍યવસ્‍થાને ખોરવી પડવાની ગંભીર પ્રવૃત્તિ કરવા બદલ આ નવ દુકાનદારોના પરવાના કાયમી ધોરણે જિલ્‍લા પુરવઠા અધિકારી શ્રી બામણિયાએ રદ કર્યા છે.

આ તપાસમાં આ નવ દુકાનદારોની દુકાનની ટીમો દ્વારા વિગતવાર તપાસના અંતે એવું બહાર આવવા પામ્‍યું હતું કે આ દુકાનદારો દ્વારા રેશનકાર્ડ ધારકોને નિયત જથ્‍થાથી ઓછો જથ્‍થો આપવામાં આવતો હતો તેમજ તપાસ દરમિયાન રેશનકાર્ડ ધારકો મળી આવ્‍યા નહતા જેથી રેશનકાર્ડ ધારકોને ઓછો જથ્‍થો આપી રેશનકાર્ડ ધારકોના હકકનું અનાજ સગેવગે કરવા તેઓને તેમના અધિકારથી વંચિત રાખ્‍યા હોવાનું જણાઇ આવેલ.

આ તપાસમાં જે રેશનકાર્ડ ધારકો નિવેદન આપવા માટે આવ્‍યા ન હોય કે મળી ન આવ્‍યા હોય તેવા શંકાસ્‍પદ રેશનકાર્ડ ધારકોનો પણ જથ્‍થો બારોબાર સગેવગે કરતા હોવાનું પણ જણાઇ આવ્‍યું હતું. જેથી આવા કિસ્‍સામાં ઓછો અપાયેલ જથ્‍થો અને મળી ન આવેલ રેશનકાર્ડ ધારકોના વિતરણ થયેલ જથ્‍થાની બજાર કિંમત હોય તે ભાવ અને વાજબી ભાવની દુકાનની વિતરણ થયેલ કિંમતના તફાવતની રકમની બમણી રકમ મુજબ આ નવા દુકાનદારોને રૂા. ૫૪,૯૨,૭૨૩/-નો દંડ તથા પરવાના અનામતની રકમ રૂા. ૪૫,૦૦૦/- મળી કુલ રૂા. ૫૫,૩૭,૭૨૩/-નો દંડ વસુલ કરવામાં આવ્‍યા છે.

જે નવ દુકાનદારોને દંડ અને અનામતની રકમ જપ્‍ત કરવામાં આવી છે તેમાં જોઇતરામ કે. સરગરાને
રૂા. ૧૦,૫૪,૯૨૧/-નો દંડ અને રૂા. પાંચ હજાર અનામત મળી કુલ રૂા. ૧૦,૫૯,૯૨૧/- આજ રીતે રમેશચંદ્ર અફ. મોહનાનીને  રૂા. ૧૧,૪૫,૬૩૧/- અને રૂા. પાંચ હજાર મળી કુલ રૂા. ૧૧,૫૦,૬૩૧/-, પ્રફુલભાઇ એમ. ઠાકોરને
રૂા. ૩,૬૫,૯૨૩/- અને પાંચ હજાર મળી કુલ રૂા. ૩,૭૦,૯૨૩/-, ચેનતકુમાર એમ. તુલસાણીને રૂા. ૩,૩૫,૮૪૪/- અને રૂા. પાંચ હજાર મળી કુલ રૂા. ૩,૪૦,૮૪૪/-, મનહરભાઇ કે. સોલંકીને રૂા. ૩,૬૩,૨૬૭/- અને રૂા. પાંચ હજાર મળી કુલ રૂા. ૩,૬૮,૨૬૭/- મેનેજરશ્રી, રેલ્‍વે એમ્‍પ્‍લો. ક. કો.ઓ.હા.સો.લિ.,ને રૂા. ૨,૦૭,૬૪૭/- અને રૂા. પાંચ હજાર મળી કુલ રૂા. ૨,૧૨,૬૪૭/-, વિનોદભાઇ આર. વાઘેલાને રૂા. ૭,૯૦,૮૨૨/- અને રૂા. પાંચ હજાર મળી કુલ રૂા. ૭,૯૫,૮૨૨/-, દિલીપભાઇ એન. પટેલને રૂા. ૭,૬૪,૬૬૧/- અને રૂા. પાંચ હજાર મળી કુલ રૂા. ૭,૬૯,૬૬૧/- અને ગંગારામ એસ. વસાવાને રૂા. ૪,૬૪,૦૦૮/- અને રૂા. પાંચ હજાર મળી કુલ રૂા. ૪,૬૯,૦૦૮/-ની વસુલાત કરવામાં આવી છે.

અત્રે ઉલ્‍લેખ કરવો જરૂરી છે કે ભારત સરકાર અને રાજય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને રાષ્ટ્રીય  અન્ન સલામતી કાયદા હેઠળ તેમના અધિકારની રૂઇએ મળવાપાત્ર ચીજવસ્‍તુમાં કોઇ ગેરરીતિ ના થાય અને રેશનકાર્ડ ધારકોને જ ચીજવસ્‍તુઓનો જથ્‍થો વાજબી ભાવની  દુકાન પરથી મળે તે ધ્‍યાને લઇ રેશનકાર્ડધાક અથવા તો તેમના પરિવારના કોઇપણ સભ્‍યના આધાર પ્રમાણિકરણ અથવા તો મોબાઇલમાં ઓટીપી મેળવીને જ જથ્‍થો  આપવાનું નકકી કરવામાં આવ્‍યું છે.

શ્રી ગોપાલ બામણિયાએ આ આખી સિસ્‍ટમને ખોરવી નાંખીને ગંભીર કૃત્‍ય આચરનાર આ દુકાનદારો સામે જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલએ  સખ્‍તાઇથી પગલાં લેવાની સૂચના આપી હોવાનું જણાવ્‍યું હતું.

રાજય સરકાર દ્વારા આરોગ્‍ય વિભાગની કોવિડ-૧૯ની ગાઇડલાઇનને ધ્‍યાને લઇ સામાજિક અંતર, માસ્‍ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરી રેશનકાર્ડ ધારકોને ચાલુ માસથી આધાર આધારિત અથવા ઓટીપી આધારિત જ વિતરણ કરવાની સૂચના આપવામાં આવી હોવાનું શ્રી બામણિયાએ જણાવી જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ દ્વારા જિલ્‍લાના તમામ મામલતદારોને આ સૂચનાઓનું દુકાનદાર સંચાલકોને પાલન કરવા અને રેશનકાર્ડ ધારકોને તેમના હકકનું પુરતું અને નિયમિત ચીજવસ્‍તુઓનો જથ્‍થો મળી રહે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હોવાનું જણાવ્‍યું છે.

Related posts

જ્ઞાાન સ્વામી પ્રાથમિક શાળા ખાંધલી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

સીડીએસ અને ઇનર વ્હીલ ક્લબ આણંદ દ્વારા મહિલા સશક્તિકરણ રોજગારલક્ષી તાલીમ યોજાઈ…

Charotar Sandesh

ખંભાતમાં અશાંતધારો લાગુ કરાશે : પ્રદિપસિંહ જાડેજા

Charotar Sandesh