સુરત : શહેરભરમાં ચર્ચાસ્પદ બનેલા થાઇલેન્ડની યુવતીની હત્યાનો ભેદ ઉકેલવામાં આખરે પોલીસને સફળતા સાંપડી છે. પોલીસને પહેલેથી જ જેના પર શક હતો તે હમવતની થેરાપિસ્ટ યુવતી આઇડા જ હત્યારી નીકળી હતી. લૂંટના ઇરાદે આઇડાએ વનિડા સાથે તેના રૂમમાં ઝીંગા-દારૂની પાર્ટી કર્યા બાદ ઠંડે કલેજે હત્યા કરી દીધી હતી. જોકે, હત્યા કેવી રીતે કરી તે અંગે પોલીસ હજુ આઇડાની પૂછપરછ કરી રહી છે. મળતી વિગતો પ્રમાણે મગદલ્લા ખાતે રહેતી થાઇલેન્ડની યુવતી વનિડા બુસોર્ન ઉર્ફે મીમીની ભેદી સંજોગોમાં ઘરમાંથી ભડથું થયેલી લાશ મળી આવી હતી. શંકાસ્પદ આ ઘટનામાં પહેલાં પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ સ્થળ તપાસ કરનાર ફોરેન્સિક એક્સપર્ટ, ડીજીવીસીએલ, એફએસએલ તથા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની ટીમે પણ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.
બીજી તરફ પોલીસને ઘરનો મુખ્ય દરવાજો બહારથી લોક, મૃતકના ૩ મોબાઇલ, રોકડ રકમ અને ગોલ્ડ ચેઇન ગાયબ થવા, રૂમમાં એક જ ગાદલું બળી જવું, સંપૂર્ણ સળગી ગયેલી યુવતીની ચીસ કોઇએ સાંભળી નથી, કોલ્ડ્રિંક્સની બોટલોમાંથી દારૂની ગંધ સહિતની બાબતો શંકાસ્પદ લાગી હતી અને આખરે પાંચમા દિવસે ઉમરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસને થાઇ યુવતીની હત્યામાં પહેલેથી જ હમવતની સ્પા થેરાપિસ્ટ આઇડાની ભૂમિકા શંકાસ્પદ લાગતી હતી. મૃતક વનિડાએ આઇડા સાથે જ પોતાના રૂમમાં ઝીંગા અને દારૂની પાર્ટી કરી હતી, આઇડા રાતે વનિડાના રૂમમાં જ રોકાઇ ગઇ હતી. ત્યારબાદ આઇડા મળસકે બે વખત ભેદી રીતે વનિડાના રૂમ પરથી અવરજવર કરતી કેમેરામાં દેખાઇ હતી.
આ કેસમાં સ્પા થેરાપિસ્ટ આઇડા જ પ્રાઇમ સસ્પેક્ટેડ હોય અલગ-અલગ અધિકારીઓએ વારાફરતી તેણીનું ઇન્ટ્રોગેશન કર્યુ હતું. જોકે, આઇડા મર્ડર કર્યાનો ઇન્કાર કરતી હતી. બીજી તરફ આઇડાની મલેશિયા અને જાપાનમાં ગુનાઇત હિસ્ટ્રી હોવાના પોલીસને ઇનપુટ મળતા ફરી આઇડા ફરતે તપાસ કેન્દ્રિત કરાઇ હતી. આખરે પોલીસને આઇડા વિરુદ્ધના એવિડન્સ મળી ગયા હતા અને ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. આમ, સપ્તાહ સુધી પોલીસને ચકરાવે ચઢાવનાર આઇડાનો આખરે ભાંડો ફૂટી ગયો હતો.