ડાકોર મંદિરની ૨૦૦ વર્ષ જૂની પરંપરા તૂટી…
નડિયાદ : યાત્રાધામ ડાકોરમાં ભગવાનના ગર્ભગૃહમાં સાત મહિલા સાથે વારાદારી સેવકના પ્રવેશને લઇ વિવાદ થયો છે. સવારના સમયે નિજ મંદિરમાં પ્રવેશી રહેલા સેવકને નોકરી પર હાજર પટાવાળાએ રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેને ધક્કો મારી મહિલાઓ સાથે સેવકે નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હતો તેમજ ભગવાનનાં ચરણ સ્પર્શ કરતાં સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે.
ડાકોર મંદિર ટ્રસ્ટ તરફથી પોલીસને આપેલી એક અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે પરેશભાઇ રમેશચંદ્ર સેવક નામની વ્યક્તિએ આજે સવારના સમયે ૭ મહિલા સાથે રાજા રણછોડના નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. એટલું જ નહીં, આ વ્યક્તિએ મંદિર નીતિ-નિયમો વિરુદ્ધ જઇ મહિલાઓને ઠાકોરજીનાં ચરણ સ્પર્શ કરાવ્યા હતા. આ ટેમ્પલ કમિટીના નીતિ-નિયમ વિરુદ્ધનું કૃત્ય વારાદારી સેવકે કરીને પંરપરાના ધજાગરા ઉડાળ્યા છે. મળેલી અરજી અનુસંધાને પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર વિવાદ જેને કારણે ઊભો થયો છે તે પરેશભાઇ રમેશચંદ્ર સેવકે જણાવ્યું હતુ કે આજે અમારા પરિવારનો સેવાનો વારો હતો. અમારો વારો હોય ત્યારે હું મારા પરિવારના કોઇપણ સભ્ય દર્શન કરવા લઇ જઇ શકું છું. મારા વારાદારીઓ કે સેવકો કોઇને કશું પૂછવાનું હોતું નથી. અમે અમારા પરિવારના સભ્યોને નિજ મંદિરમાં લઇ જઇ શકીએ છીએ. જેમને હું મારી સાથે લઇ ગયો હતો એ મારી પત્ની અને મારા ભાભી સહિતનાં પરિવારના સભ્યો હતાં.