સુરતમાં કેસોમાં ૧૧૬%નો અને અમદાવાદમાં ૧૧૨%નો વધારો…
અમદાવાદ : ગુજરાતના સાપ્તાહિક કેસોના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, રાજ્યમાં સાત દિવસમાં કેસોમાં ૮૨%નો વધારો નોંધાયો છે, જે દિવાળી બાદના સમયગાળા કરતાં પણ વધારે છે. હકીકતમાં, ૩૩ જિલ્લામાંથી ૧૦ અથવા રાજ્યના ૩૦% જિલ્લાઓમાં છેલ્લા સાત દિવસમાં કેસનો આંકડો બમણો થયો છે. આણંદ (-૯.૮%) અને ગીર સોમનાથ (-૧૭.૯%) એમ માત્ર બે જિલ્લાઓમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો છે, જ્યાં ૩૧ નવા કેસો નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧,૫૮૦ કેસ ઉમેરાયા છે જ્યારે ૭ દર્દીઓના મોત થયા છે.
ચાર મોટા જિલ્લાઓમાંથી, સુરતમાં કેસોમાં ૧૧૬%નો (૧,૨૭૦થી ૨,૭૪૬) વધારો જોવા મળ્યો છે. જ્યારે અમદાવાદમાં ૧૧૨%નો (૧,૦૫૨થી ૨,૨૩૨) વધારો થયો છે. રાજકોટ અને વડોદરામાં અનુક્રમે ૭૨% અને ૨૨%નો વધારો નોંધાયો છે. ઓછામાં ઓછા ૨૦ નવા કેસ નોંધાવતા જિલ્લાઓમાં સુરેન્દ્રનગર (૬ કેસમાંથી ૨૯) અને નર્મદામાં (૨૧ કેસમાંથી ૮૭) કેસ ત્રણ ગણા છે.
હકીકતમાં, અમદાવાદ અને સુરતમાં ૧૫થી ૨૧ માર્ચની વચ્ચે ૫૭% કેસ હતા. ૮થી ૧૪ માર્ચની વચ્ચે બંને જિલ્લાઓની સંખ્યા ૪૮ ટકા વધી હતી. બંને જિલ્લાઓમાં છેલ્લા સાત દિવસમાં ૨૬માંથી ૧૯ મોત થયા છે, જેમાં દર ૧૦ મૃત્યુમાંથી ૭ મૃત્યુ નોંધાયા છે. પ્રમાણમાં થોડો ઘટાડો થયો છે કારણ કે, છેલ્લા અઠવાડિયામાં બંને જિલ્લાઓમાં નવમાંથી સાત અથવા ૭૮% મૃત્યુ નોંધાયા હતા.
ગુજરાતમાં ૮૨%ના વધારાની સરખામણીમાં, રસીકરણ બાદ ગુજરાતમાં એક અઠવાડિયા ૮૯%નો વધારો નોંધાયો હતો. ૮થી ૧૪ માર્ચની વચ્ચે ૫.૬૮ લાખ લોકોને પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. નિષ્ણાતો વહેલામાં વહેલી તકે તેવા લોકોને રસી આપવાની સલાહ આપી છે જેમને ’સુપર સ્પ્રેડર્સ’ તરીકે ઓળખવામાં આવે છે.