Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

૮ નવી ઔદ્યોગિક વસાહતોમાં આણંદ જિલ્‍લાના ઓડનો સમાવેશ : સ્‍થપાશે નવી ઔદ્યોગિક વસાહત…

એમ.એસ.એમ.ઈ સેકટરથી જ ગુજરાત આત્મનિર્ભરતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

૮ નવી ઔદ્યોગિક વસાહત, ૫ જિલ્લામાં નવા બહુમાળી શેડ અને ‘મોડલ એસ્ટેટ’ના નિર્માણની જાહેરાત કરી…

આણંદ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતને ફાઇવ ટ્રીલિયન ઇકોનોમી બનાવવાનું વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર કરવા માટે ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ કરી લીડ લેવાની સજ્જ છે તેવી નેમ વ્યકત કરતા રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર માટે મહત્વની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પાટણ જિલ્લાના ચારૂપ જી.આઇ.ડી.સી.ના ૨૬૪ પ્લોટની કોમ્પ્યુટરાઇઝ ડ્રો ફાળવણી કરતાં કહ્યું કે, ગુજરાતમાં પ્રત્યેક જિલ્લાની આગવી પ્રોડક્ટ ડેવલપ થાય અને વન ડીસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટનો સંકલ્પ સાકાર થાય તે માટે રાજ્યમાં કારખાના-ઉત્પાદન એકમોને અનુકુળ માહોલ આપી રહ્યા છીએ.

મોટા પ્રમાણમાં એમ.એસ.એમ.ઈ એકમોની અનેક લોકોને રોજીરોટી પ્રાપ્ત થાય તે પ્રકારનું એક ઈકોનોમિકલ સર્કલ ડેવલોપ કરવું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સર્વગ્રાહી ઊદ્યોગ વિકાસને વધુ વ્યાપક બનાવવા રાજ્યના ૮ જિલ્લામાં ૯૮૭ હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત કરી હતી. આ ૮ વસાહતોમાં મોરબી ખાતે આશરે ૫૦૦ હેક્ટર વિસ્તારમાં બનનાર નવિન વસાહત તમામ અદ્યતન માળખાકીય તેમજ આનુસાંગિક સુવિધાઓથી સુસજ્જ એક ‘મોડલ એસ્ટેટ’ બનશે.

તેમણે કહ્યું કે, આ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી એમ.એસ.એમ.ઇ. સેક્ટરને ૫૦૦ થી ૨૦૦૦ ચોરસ મિટરના ૨૫૭૦ પ્લોટ અને મોટા ઉદ્યોગોને ૧૦ હજારથી ૫૦ હજાર ચોરસ મિટરના ૩૩૭ પ્લોટ ઉપલબ્ધ થશે.

તેમણે ઉમેર્યું કે, આ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી જલોત્રા-બનાસકાંઠાનો માર્બલ કટીંગ/પોલીશીંગ ઉદ્યોગ, શેખપાટ-જામનગરનો બ્રાસ ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, કડજોદરા-ગાંધીનગરનો ફૂડ-એગ્રો ઉદ્યોગ, પાટણનો ઓટો એંસિલરી ઉદ્યોગ, નાગલપર-રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઉદ્યોગ તથાઆણંદ અને મહિસાગરના ઇજનેરી ઉદ્યોગો આ તમામને લાભ થશે.

મુખ્યમંત્રીશ્રીએ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી અંદાજે રૂ. ૧૨૨૩ કરોડનું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ અને ૨૦ હજાર નવી રોજગારી આ નવિન પ્રકલ્પો ભવિષ્યમાં પુરી પાડશે-એવો મત વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ અન્ય મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે, સરકારે MSMEને વેગ મળે તે હેતુથી રાજ્યની હયાત ૯ ઔદ્યોગિક વસાહતોમાં મલ્ટી સ્ટોરી શેડ્સ (બહુમાળી શેડ) બનાવવાનો નિર્ણય કર્યો છે.

પાંચ જિલ્લા વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં ૩૬૦ નવા બહુમાળી શેડ નિર્માણ પામશે. જેથી લગભગ ૧૦૦ કરોડ રૂપિયાનું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ અને ૧ હજાર નવી રોજગારી શક્ય બનશે.

તેમણે વધુમાં કહ્યું કે, દહેજ, સાયખા, અંક્લેશ્વર, હાલોલ, સાણંદ-૨, વાપી અને લોધિકાની હયાત વસાહતોને પણ તમામ મૂળભુત અને હાઈટેક સુવિધાઓ સાથેવિકસાવી‘મોડલ એસ્ટેટ’ બનાવવાનું આયોજન છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યની ઔદ્યોગી વસાહતો-જી.આઇ.ડી.સી.માં હવે ‘પ્લગ એન્ડ પ્લે’ના ધોરણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ થયા છે. એસ્ટેટમાં આવનાર કારખાનેદાર સીધા પોતાનો મશીન ગોઠવે અને ઉત્પાદન શરૂ કરે તે પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ સાથેના શેડ સરકારે તૈયાર કર્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુંમાં કહ્યું કે, ગુજરાત રાજ્યની સ્થાપના વખતે રાજ્યમાં માત્ર ૬ હજાર એમ.એસ.એમ.ઈ યુનિટ હતા. છેલ્લા બે દાયકાની વિકાસ યાત્રા બાદ આજે રાજ્યમાં ૩૫ લાખ એમ.એસ.એમ.ઈ યુનિટ કાર્યરત છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે એમ.એસ.એમ.ઈ સેકટરથી જ ગુજરાત આત્મનિર્ભરતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે. ગુજરાતના મોરબીનો સિરામિક ઉદ્યોગ એકમાત્ર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે જે ચાઇનાને ઉત્પાદન ક્ષેત્રે હંફાવે છે. ગયા વર્ષે તો મોરબીએ ચાઇનાને જ સિરામિક ઉત્પાદ નિર્યાત કર્યા છે જે ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા દર્શાવે છે

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, GIDC એસ્ટેસ્ટમાં સ્થિત ઉદ્યોગોને રો-મટિરિયલ, સ્કિલ્ડ મેનપાવર અને લોજિસ્ટિક સપોર્ટ મળે ઉપરાંત પ્રોપર માર્કેટ પણ ઉપલબ્ધ થાય તે માટે પણ જી.આઇ.ડી.સી. દરકાર કરે છે. રાજ્ય સરકાર જી.આઇ.ડી.સી.ની કાર્યરીતિ-નીતિઓને અવારનવાર રિવ્યું કરે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર ઝડપથી નિર્ણય લેનારી છે એટલે જ લોકોની અપેક્ષા વધી છે. જે લોકોનું સાંભળે અને જે લોકોના કામ કરે તેના પ્રત્યે જ તો લોકો અપેક્ષા રાખતા હોય છે. અમે જનતાની અપેક્ષાથી ડરનારા લોકો નથી તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ચાઇના જેવા દેશો પાસેથી વસ્તુંની આયાત કરવી ન પડે તે માટે સેક્ટર સ્પેસિફિક ઔદ્યોગિક વસાહતો ઊભી કરવાની નેમ વ્યક્ત કરી હતી. ગુજરાત કાયમ વાયબ્રન્ટ રહે અને રાજ્યમાં પર્યાવરણના ભોગે ઉત્પાદનમાં ન થાય તેવો તેમણે મત વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે આ પ્રસંગે પાટણ, આણંદ, વલસાડ, સુરત, વડોદરા, બનાસકાંઠા, મોરબી અને અમદાવાદ જિલ્લામાંથી જી.આઇ.ડી.સી.ના અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ, પાટણ જી.આઇ.ડી.સી.ના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂત ઓનલાઇન જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ તથા જી.આઇ.ડી.સી.ના એમ.ડી. શ્રી એમ. થેન્નારસન ગાંધીનગરથી જોડાયા હતા.

Related posts

આણંદ-ખેડા જિલ્લાની ૧પ૦ કોલેજોમાં ઓનલાઇન પ્રવેશ પ્રકિયા આરંભાશે

Charotar Sandesh

કોરોના યથાવત : આણંદ શહેરમાં પ કેસો સહિત જિલ્લામાં કુલ ૧૬ પોઝીટીવ નોંધાયા…

Charotar Sandesh

આણંદ : કરમસદ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓની હડતાળ…

Charotar Sandesh