વડોદરા : વડોદરા જીલ્લા એલસીબીએ કરજણ તાલુકાના કણભા ગામથી બોડકા ગામ તરફ જતાં રોડ પરથી વિદેશી દારૂ અને બીયરના જથ્થો ભરેલી ફોર્ચ્યુનર કાર ઝડપી પાડી છે અને ૧.૮૦ લાખના દારૂ સહિત ૨૬.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કારનું રજીસ્ટ્રેશન પણ ન કરવામાં ન આવ્યું હોવાથી નવી કારમાં દારૂ લઇ જવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા જીલ્લા એલસીબીએ બાતમીને આધારે કરજણ તાલુકાના કણભા ગામથી બોડકા ગામ તરફ જવાના રોડ ઉપર ફોર્ચ્યુનર કારને રોકી હતી. પોલીસને જોઇને કારચાલક ભાગી છૂટ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા બીયરની ૩૧ પેટીઓ અને વિદેશી દારૂની ૨૨ પેટીઓ મળીને ૧,૮૦,૦૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબીએ દારૂનો જથ્થો, ફોર્ચ્યુનર કાર મળીને ૨૬,૮૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કરીને પ્રોહીબિશનનો ગુનો નોંધી ફરાર થયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.