કોરોના કાળ વચ્ચે રૂપાણી સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય…
કિસાન સહાયમાં પ્રીમિયમ ભર્યા વગર નુકસાનીનું વળતર મળશે…
ગાંધીનગર : આજે ગુજરાત સરકારે ખેડૂતોને લઈને મહત્વની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કિસાન સહાય યોજના જાહેર કરી હતી. આ યોજનાનો લાભ તમામ ખેડૂતોને મળશે. યોજના ખરીફ પાક પૂરતી હશે અને જે ૪ હેક્ટર સુધી લાગુ પડશે. આ યોજનામાં દુકાળ, અતિવૃષ્ટિ અને માવઠાંને આવરી લેવામાં આવ્યો છે. જે ખેડૂતને ૩૩ ટકાથી ૬૦ ટકા સુધીનું નુકસાન થયું હશે તો હેક્ટર દીઠ ૨૦ હજાર રૂપિયા અને ૬૦ ટકાથી વધુ નુકસાન હશે તો ૨૫ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
– ખરીફ ઋતુમાં થયેલા પાક નુકસાન ૩૩%થી ૬૦% માટે રૂપિયા ૨૦ હજાર પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.
– ખરીફ ઋતુમાં થયેલા પાક નુકસાન ૬૦%થી વધુ નુકશાન માટે રૂપિયા ૨૫ હજાર પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.
૧) અનાવૃષ્ટિ (દુષ્કાળ) : જો તાલુકામાં ચાલુ સિઝનનો ૧૦ ઈંચથી ઓછો વરસાદ નોંધાય હોય અથવા રાજ્યમાં ચોમાસું શરૂ થાય ત્યાંથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે ૨૮ દિવસ વરસાદ ન પડ્યો હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલા પાકને નુકસાન થયો હોય તેને અનાવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે.
૨) અતિવૃષ્ટિઃ તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ૪૮ કલાકમાં ૩૫ ઈંચ કે તેથી વધુ અને તે સિવાયના તમામ જિલ્લાઓમાં ૪૮ કલાકમાં ૨૫ ઈંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઈન ગેજ મુજબ નોંધાયેલો હોય અને ખેતીના વાવેતર કરેલા ઊભા પાકમાં થયેલા નુકસાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે.
૩) કમોસમી વરસાદઃ ૧૫ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ ૪૮ કલાકમાં ૫૦ મીમીથી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદનું જોખમ ગણવામાં આવશે.
પાકવીમા અંગે રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુદ્દે અર્જુન મોઢવાડિયાને ખોલ્યો ચિઠ્ઠો…
રાજ્યના ખેડૂતો માટે કરાયેલી પાકવીમા અંગે સરકારે કરેલી જાહેરાત મુદે અર્જુન મોઢવાડિયાએ આજે એક નિવેદન આપ્યું છે. મોઢવાડીયાએ જણાવ્યું કે, સીએમએ આજે પ્રધાનમંત્રી ફસલ યોજનાને રદ્દ કરવાની જાહેરાત કરી છે. ૬ વર્ષ પહેલાં રાજીવ ગાંધીની યોજનાને પ્રધાનમંત્રી ફસલ યોજના ગણાવી છે. સીએમએ યોજના રદ્દ કરીને ખેડૂતોને લપડાક મારી છે. કોંગ્રેસની સરકારમાં ખેડૂતોને ૨૦ વર્ષ લાભ મળ્યો છે. ભાજપે પહેલા કંપનીલક્ષી યોજના બનાવી અને હવે રદ્દ કરી નાંખી છે. અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે, સીએમએ કરેલી જાહેરાત છેતરામણી અને લોલીપોપ સમાન છે. ૨૦૧૪માં ભાજપે ખેડૂતોને ડોઢા ભાવ આપવાની વાત કરી હતી. પરંતુ હાલ પરિસ્થિતિ કંઈક અલગ છે. રાજ્યના ખેડૂતોની વાસ્તવિક ખર્ચ સામે આવક અડધી થઈ ગઈ છે. રાજ્યના ખેડૂતોને વિઘાદીઠ ૩૨૦૦ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે, પરંતુ ૩૨૦૦ રૂપિયામાં શું થાય?