ન્યુ દિલ્હી : બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના અધ્યક્ષ સોરવ ગાંગુલીએ સ્ટેટ એસોસિયેશન્સને એક લેટર લખ્યો હતો. આમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફર્યા બાદ ભારત આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડને હોસ્ટ કરશે. તે ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, અમે ઇન્ડિયન ક્રિકેટ માટે રોડમેપ તૈયાર કર્યો છે. તેમજ આ વર્ષે વધુમાં વધુ ડોમેસ્ટિક ક્રિકેટ કરાવવા પોતાના શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.
ગાંગુલીએ લખ્યું કે, ઇન્ટરનેશનલ શેડયૂલ અગાઉ કરેલા પ્લાન અનુસાર જ આગળ વધશે. બીસીસીઆઈ ફ્યૂચર ટૂર પ્રોગ્રામ કમિટમેન્ટનું સન્માન કરશે. સીનિયર મેન્સ ટીમ ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે, તે પછી ફેબ્રુઆરીમાં ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે સીરિઝ રમશે. ત્યારબાદ એપ્રિલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ યોજાશે. ડોમેસ્ટિક ક્રિકેટ અંગે ગાંગુલીએ કહ્યું કે, અત્યારે આપણે ઓફ-સીઝનમાં છીએ.
અમે ડોમેસ્ટિક ક્રિકેટ શરૂ કરવા અંગે મહેનત કરી રહ્યા છીએ. બોર્ડ માટે ખેલાડીઓ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં જોડાયેલા તમામની સુરક્ષા પ્રાથમિકતા છે. જ્યારે પ્લાન બનાવવામાં આવશે, ત્યારે તમામ મેમ્બર્સને જાણ કરવામાં આવશે, તેમજ સીઝન શરૂ કર્યા પહેલા બધા પાસેથી સજેશન પણ લેવામાં આવશે. અમને આશા છે કે, આગામી મહિનાઓમાં કોવિડ-૧૯ પરિસ્થિતિ સુધરશે અને આપણે સુરક્ષિત વાતાવરણમાં ડોમેસ્ટિક ક્રિકેટ શરૂ કરી શકીશું.