ઓસ્લો : સ્વીડનમાં ઇસ્લામ વિરોધી હિંસક પ્રદર્શન બાદ તેની આગ હવે પડોશી દેશ નોર્વેમાં પણ ફેલાય ગઈ છે. નોર્વેની રાજધાની ઓસ્લોમાં શનિવારે ઇસ્લામ વિરોધી અને ઇસ્લામ સમર્થકો વચ્ચે હિંસક દેખાવો થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરોધીઓએ મુસ્લિમોના પવિત્ર પુસ્તક કુરાનની નકલો ફાડી નાખી. આ દેખાવો નોર્વેના ધૂર દક્ષિણપંથી સંગઠન સ્ટોપ ઇસ્લામાઇઝેશન ઓફ નોર્વે દ્વારા કરાયું હતું.
આ પ્રદર્શનકારી નોર્વેની રાજધાની ઓસ્લોમાં સંસદ ભવનની બિલ્ડિંગની બહાર ભેગા થયા હતા અને ઇસ્લામિક વિચારધારા સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રદર્શન લગભગ બે કલાક સુધી ચાલ્યું હતું. નોર્વેના નેતા લારસ થોર્સેન એ ઇસ્લામ વિરોધ કેટલાંય નિવેદનો આપ્યા. તેમણે પયગંબર વિશે એવી વાતો કહી હતી કે જે મુસ્લિમ સમુદાયને ઠેસ પહોંચાડી શકે છે. આ સમયગાળા દરમ્યાન સંસ્થાના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગીતો ગાયા હતા.
બીજીબાજુ સ્ટોપ ઇસ્લામાઇઝેશન ઓફ નોર્વેના વિરોધ પ્રદર્શનને જોતા તેમના વિરોધીઓ પણ ત્યાં ભેગા થયા હતા, પરંતુ પોલીસે તેમને તાત્કાલિક કાર્યવાહી કરતા અટકાવી દીધા હતા. આથી બંને જૂથો એક બીજાથી ખૂબ દૂર રહ્યા. દરમ્યાન સ્ટોપ ઇસ્લામાઇઝેશન નોર્વેના એક સભ્ય એ કુરાન કાઢયું અને તેની નકલો ફાડી નાખી. બીજી તરફ ઇસ્લામ સમર્થકો એ આ જોયું અને વિરોધ પ્રદર્શન આક્રમક બની ગયુ.
ત્યારબાદ ઇસ્લામવાદી સમર્થકોએ પોલીસના બેરિકેડ્સ તોડી નાખ્યા અને સ્ટોપ ઇસ્લામાઇઝેશન ઓફ નોર્વેના ટેકેદારોની સામે બાખડી પડ્યા. ત્યારબાદ બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. જો કે બાદમાં પોલીસે કડક કાર્યવાહી કરી પ્રદર્શનકારીઓને વિખેર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ સંઘર્ષમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. પોલીસે મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરી છે.