ન્યુ દિલ્હી : દિગ્ગજ ભારતીય ક્રિકેટર કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, કપિલ દેવને દિલ્હીની એક હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હાલ તેઓની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે. અને તેઓ ખતરાની બહાર હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.
કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો હોવાની વાત સામે આવતાં જ સોશિયલ મીડિયામાં લોકો તેમનાં સ્વાસ્થ્ય અંગે પ્રાથના કરવામાં લાગ્યા હતા. કપિલ દેવનાં સુકાની પદ હેઠળ ભારતે ૧૯૮૩માં પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતનાં દિગ્ગજ કપિલ દેવની ગણના દુનિયાના દિગ્ગજ ઓલરાઉન્ડરમાં થાય છે.
કપિલ દેવે પોતાના ઈન્ટરનેશનલ કેરિયરમાં ૧૩૧ ટેસ્ટ અને ૨૨૫ વન ડે મેચ રમી હતી. તેમનું નામે ટેસ્ટમાં ૫૨૪૮ રન ૪૩૪ વિકેટ છે. વન ડે ઈન્ટરનેશનલ કેરિયરમાં તેઓએ ૩૭૮૩ રન બનાવવાની સાથે ૨૫૩ વિકેટ પણ ઝડપી છે. તેઓએ પોતાની અંતિમ ઈન્ટરનેશનલ મેચ વેસ્ટ ઈન્ડીઝની સામે ફરીદાબાદમાં વર્ષ ૧૯૯૪માં રમી હતી.