Charotar Sandesh
સ્પોર્ટ્સ

અંતિમ ટી-૨૦માં શ્રીલંકાને ૩ વિકેટે હરાવી વે.ઇન્ડિઝે ૨-૧થી શ્રેણી જીતી…

એલેને એક જ ઓવરમાં ત્રણ સિક્સ ફટકારી બાજી પલટી…

એન્ટીગુઆ : વેસ્ટ ઇન્ડિઝે શ્રીલંકાને ૩ મેચની ટી-૨૦ શ્રેણીમાં ૨-૧થી હરાવ્યું છે. રવિવારે એન્ટીગુઆમાં રમાયેલી શ્રેણીની અંતિમ મેચમાં વિન્ડીઝની ટીમે ૩ વિકેટે જીત મેળવી. ૧૩૨ રનનો પીછો કરતા વિન્ડીઝે ૬ બોલ બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કર્યો.
ફેબિયન એલેને ૬ બોલમાં ૨૧ રન બનાવીને ફિનિશરની ભૂમિકા ભજવી. અંતિમ ૨ ઓવરમાં જીત માટે ૨૦ રનની જરૂર હતી, એલેને ૧૯મી ઓવરમાં ૩ સિક્સ મારીને મેચ પૂરી કરી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત સારી રહી નહોતી. ટીમે ૪૭ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ગુનાથિલાકા (૯ રન), પાથુમ નિસાકા (૫ રન), નિરોશન ડિકવેલા (૪ રન) અને કપ્તાન એન્જલો મેથ્યુઝ (૧૧ રન) કઈ ખાસ કરી શક્યા નહોતા.
તે પછી દિનેશ ચંદીમલ અને અશેન બંદારાએ ઇનિંગ્સને સંભાળી. તેમણે લગભગ ૧૦ ઓવર બેટિંગ કરી અને કોઈ વિકેટ પડવા ન દીધી. આ દરમિયાન ચંદીમલે પોતાના ટી-૨૦ કરિયરની ૫મી ફિફટી મારી. તેણે બંદારા સાથે મળીને ૫મી વિકેટ માટે ૮૫ રનની ભાગીદારી કરી. ચંદીમલ ૪૬ બોલમાં ૫૪ રન અને બંદારા ૩૫ બોલમાં ૪૪ રન બનાવીને અણનમ રહ્યા. વેસ્ટ ઇન્ડિઝ વતી ફેબિયન એલેન, કેવિન સિંકલેયર, જેસન હોલ્ડર, ઓબે મેકોયે ૧-૧ વિકેટ ઝડપી.
એવું લાગી રહ્યું હતું કે, શ્રીલંકાની ટીમ આ મેચ જીતી જશે. જોકે, એલેને ૧૯મી ઓવરમાં મેચનું રૂપ બદલ્યું. અકિલા ધનંજયની ઓવરમાં તેણે કાયરન પોલાર્ડ સાથે મળીને ૨૦ રન બનાવ્યા અને વિન્ડીઝને મેચ અને શ્રેણી જિતાડી દીધી. શ્રીલંકા તરફથી સંદકને ૩ વિકેટ, જ્યારે ચમિરા અને હસરંગાએ ૨-૨ વિકેટ લીધી.
શ્રીલંકાની ટીમ વિન્ડીઝ પ્રવાસે ૩ વનડે અને ૨ ટેસ્ટ રમશે
હવે શ્રીલંકાની ટીમ વિન્ડીઝના પ્રવાસે ૩ વનડે અને ૨ ટેસ્ટની શ્રેણી રમશે. પ્રથમ વનડે ૧૦ માર્ચ, બીજી ૧૨ અને ત્રીજી ૧૪ માર્ચે રમાશે. જ્યારે પ્રથમ ટેસ્ટ ૨૧થી ૨૫ માર્ચ અને બીજી ટેસ્ટ ૨૯ માર્ચથી ૨ એપ્રિલ સુધી રમાશે.

Related posts

નીરજ ચોપડાની અમદાવાદ મુલાકાતને પીએમ મોદીએ ટિ્‌વટમાં વખાણી

Charotar Sandesh

ડે-નાઈટ ટેસ્ટમાં પિન્ક બોલથી રમવાનો અનુભવ મદદગાર સાબિત થશે : પુજારા

Charotar Sandesh

આઈપીએલમાં રાહુલ ચાહરના પ્રદર્શન સારું ન રહ્યું

Charotar Sandesh