આણંદ એલસીબી પોલીસે બોરસદમાંથી સીમ બેંક દ્વારા ઈન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદિલ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું
લેપટોપ, ૪ સીમ બેંક, ૩ મોબાઈલ ફોન, ૫ વાઈફાઈ રાઉટર, સીમકાર્ડના ૪૯ કવર અને ૬૧ સીમકાર્ડ સહિત કુલ ૨.૭૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
આણંદ : એલસીબી પોલીસે બપોરના સુમારે બોરસદની સાકરીયા સોસાયટી મેમણ કોલોનીનાં એક મકાનમાં છાપો મારીને છેલ્લાં કેટલાક સમયથી સીમ બેંકની મદદથી ઈન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરવાનું રેકેટ ઝડપી પાડીને યુપીના બે પિતરાઈ ભાઈઓની ધરપકડ કરી કુલ ૨.૭૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને આઈટી, ટેલીગ્રાફ એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ આણંદના સાયબર સેલ (cyber cell) પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તા.૧૮ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ આણંદ એલસીબીના પી.આઈ. કે.જી.ચૌધરીને બાતમી મળી હતી કે, બોરસદ જે.ડી.પટેલ હાઇસ્કુલ નજીક આવેલ સાકરીયા સોસાયટી મેમણ કોલોનીમા રહેતા બાબરઅલી મકબુલ અહેમદ અંસારી તથા તેના કાકાના દિકરા મીરફસલ ઉર્ફે સોનુ મકસુદ અહેમદ બંને ભેગા મળી ટેલિફોન એક્સચેન્જ ચલાવે છે.
જેથી પી.આઈ. કે.જી.ચૌધરી અને પી.એસ.આઈ પી.એ.જાદવની ટીમોએ બાતમી વાળી જગ્યાએ દરોડો કરતા બન્ને ઇસમો શંકાસ્પદ ટેલિફોન ઈકવિમેન્ટના સરસામાન સાથે મળી આવ્યા હતા. આ બન્ને ઈસમોની પુછપરછ કરતા પોતાના રહેણાંક મકાનમાં આવેલ પ્રથમ માળે ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ (telephone exchange) ચલાવતા હોય અને આ એક્સચેન્જ માંથી તેઓના સંપર્કવાળા માણસોના કહેવા મુજબ સીમ બોક્ષ ઓપરેટ કરી પોતાનો આર્થીક ફાયદો મેળવતા હતા.જે આધારે બોરસદ તેઓના ઘરે જઇ તપાસ કરતા રહેણાંક મકાનાના પહેલા માળે લેપટોપ તથા ડીનસ્ટાર કંપનીના ૩૨ પોર્ટના ગેટ વેના બે અલગ અલગ ડીવાઇસ બે વાઇફાઇ રાઉટર સાથે કનેકટ કરેલા ચાલુ હાલતમાં મળી આવેલ જે ડીવાઇસમાં અન્ય રાજયના સીમકાર્ડ નાખેલ હતા.જે ગેરકાયદેસર રીતે ટેલી. એક્સચેન્જ ચલાવવા સારુ તેને લગતા જુદાજુદા ડીવાઇસ,રાઉટર તેમજ ત્રાહીત વ્યક્તિઓના નામના સીમકાર્ડ ખરીદી સીમ બોક્ષ થકી ટેલી.એક્સચેન્જ ઉભુ કર્યું હતું.
સદર ગુનામાં (૧) બાબરઅલી મકબુલ અહેમદ અંસારી રહે,બોરસદ સાકરીયા સોસાયટી મેમણ કોલોની તા.બોરસદ જી.આણંદ (૨) મીર ફૈસલ મકસુદ અહેમદ અન્સારી રહે, બોરસદ સાકરીયા સોસાયટી મેમણ કોલોની તા.બોરસદ જી.આણંદ, મુળ, રહે. ભીલમપુર, મસ્જીદ તથા પ્રાથમીક શાળા નજીક તા.બુઢનપુર, પોસ્ટઃ કોઇલ્સા જી.આજમગઢ ઉત્તરપ્રદેશની ધરપકડ કરી છે.
Other News : વલ્લભવિદ્યાનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં છાત્રાલયનું ખાતમુહૂર્ત સંપન્ન