શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેક વિધ આયોજનો થઈ રહ્યા છે. સેવા ભક્તિ સ્મરણ ના કાર્યક્રમ થઈ રહ્યા છે . ત્યારે આ પ્રચંડ ગરમીમાં ચંપલ વિતરણ જેવી સેવાઓ થઈ છે. આજે તા. ૨ જુન રવિવારના રોજ વડતાલ મંદિરમાં બીરાજતા દેવોને અમદાવાદ એસ.જી.વી.પી. ગુરૂકુળ પરિવારના સ્વામી માધવપ્રિયદાસજી અને પુરાણીસ્વામી બાલકૃષ્ણદાસજી દ્વારા ૧૦ ટન કેરીનો અન્નકુટ આમ્રોત્સવ ધરાવવામાં આવ્યો હતો.
આમ્રોત્સવના આયોજક વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે નીજ મંદિરમાં દેવોને ભક્તો દ્વારા ઋતુ પ્રમાણે ફળો ધરાવવામાં આવે છે જે અંતર્ગત ઉનાળાની ઋતુમાં ફળોનો રાજા કેરીનો અમદાવાદ એસજીવીપી ગુરૂકુળ પરિવારના સ્વામી માધવપ્રિયદાસજી અને પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી દ્વારા ૧૦ ટન કેસર કેરીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો
મંદિરના પૂજારીઓ દ્વારા કેરીની કમાનો ઉભી કરવામાં આવી હતી. ત્યારબાદ દેવો સમક્ષ કેરી ધરાવવામાં આવી હતી. રવિવારના રોજ હજ્જારો હરિભક્તોએ આમ્રોત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધીમાં અંદાજીત ૭૫ હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. સાંજે ૩.૩૦ થી ૬.૩૦ દરમ્યાન ૯૦મી રવિસભા અજરપુરાના રજનીકાંત ઉમેદભાઇ પટેલ તથા શ્રીમતી ગોપીબેન ધ્વુતીકુમાર પટેલના યજમાન પદે રાખવામાં આવી હતી. રવિસભાના વક્તાપદે ડો.સંતવલ્લભદાસજી સ્વામી બિરાજી વચનામૃત કથાનું રસપાન કરાવ્યું હતું. જ્યારે સમગ્ર આમ્રોત્સવના આયોજક ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા કોઠારી ડો.સંતસ્વામી હતા. આમ્રોત્સવની સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભસ્વામી તથા સ્વયંસેવકોની ટીમે સંભાળી હતી. અન્નકુટબાદ આ કેરીનો પ્રસાદનું વૃદ્ધાશ્રમ, અનાથઆશ્રમ, મહિલા આશ્રમ તથા દિવ્યાંગોને વડતાલધામના સંતો તથા સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.
Other News : વડતાલધામ- ૨૦૦ વર્ષ પ્રસંગે તમાકુ નિષિદ્ધ દિવસે યુવકોની પ્રતિજ્ઞા