પક્ષમાં પાટીલના અનુગામી કોણ એ ચર્ચાએ તો જોર પકડ્યું જ છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલનો સમાવેશ મોદી કેબિનેટમાં થયો છે એટલે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ કોણ એ ચર્ચા સ્વભાવિક છે.
પક્ષમાં પાટીલના અનુગામી કોણ એ ચર્ચાએ તો જોર પકડ્યું જ છે સાથો-સાથ રાજ્ય સરકારમાં પણ મંત્રીમંડળનું વિસ્તરણ અને ખાતાઓની ફેરબદલી થાય એવી પૂરી શકયતા છે. જો આવું થાય તો સંગઠનની રચના ઉપર તેની સીધી અસર જોવા મળશે.
- ૬ જેટલા નામ ચર્ચામાં
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ માટે પક્ષના વરિષ્ઠ અને સંગઠનના અનુભવી નેતાની પસંદગી થાય એવી શક્યતા છે. હાલ પ્રદેશ અધ્યક્ષમાં મુખ્ય ૬ જેટલા નામ ચર્ચામાં છે. આ નામમાં દેવુસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ, આઈ.કે.જાડેજા, બાબુભાઈ જેબલિયા, પ્રદિપસિંહ જાડેજા અને વિનોદ ચાવડાનો સમાવેશ થાય છે. - દેવુસિંહ ચૌહાણ
જો દેવુસિંહ ચૌહાણની વાત કરીએ તો તેઓ જિલ્લા સંગઠનમાં કામગીરીનો તો અનુભવ ધરાવે જ છે, ખેડાથી સતત ત્રીજીવાર સાંસદ તરીકે તેઓ ચૂંટાયા છે. કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે કામગીરીનો તેમનો અનુભવ છે અને મધ્યગુજરાતના રાજકારણમાં વર્ચસ્વ હોવાની સાથે-સાથે ક્ષત્રિય રાજપૂત સમાજનો પણ અગ્રણી ચહેરો છે. - જગદીશ વિશ્વકર્મા
જગદીશ વિશ્વકર્માની વાત કરીએ તો તેમના પ્લસ પોઈન્ટમાં સંગઠનમાં કામ કરવાનો અનુભવ મુખ્ય છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે તેઓ રહ્યાં છે. રાજ્ય સરકારમાં મંત્રી તરીકેની કામગીરીનો પણ અનુભવ છે. જગદીશ પંચાલને સંગઠનમાં BJP નેતા તરીકે જો સર્વોચ્ચ જવાબદારી મળે તો મંત્રી તરીકે બીજા BJP નેતાને તક મળી શકે છે. - આઈ.કે.જાડેજા
ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે ત્રીજુ નામ પક્ષના જ અનુભવી નેતા આઈ.કે.જાડેજાનું છે. આઈ.કે.જાડેજાને સંગઠનમાં કામગીરીનો બહોળો અનુભવ છે. આઈ.કે.જાડેજાની છબી પણ એવી છે કે તેઓ બધાને સાથે રાખીને ચાલી શકે છે. રાજ્યનો એક પણ ઝોન એવો નથી કે જેના રાજકારણથી આઈ.કે.જાડેજા પરિચિત ન હોય. અગાઉ રાજ્ય સરકારમાં પણ આઈ.કે.જાડેજા મંત્રી તરીકે રહ્યાં છે અને ક્ષત્રિય સમાજનો પણ એક જાણીતો ચહેરો છે. - બાબુભાઈ જેબલિયા
ગુજરાતના સંગઠનમાં ટોચની જવાબદારીમાં વધુ એક નામ સામે આવી રહ્યું છે અને તે છે બાબુભાઈ જેબલિયાનું. સામાન્ય લોકો માટે કદાચ બાબુભાઈ જેબલિયાનું નામ પરિચિત ન હોય પરંતુ તેઓ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી છે. બાબુભાઈ જેબલિયાનું જમાપાસુ છે સંગઠનમાં સ્વીકૃત વ્યક્તિ તરીકેની છબી. સંઘનું બેકગ્રાઉન્ડ પણ તેના જમાપાસામાં ઉમેરો કરે છે. આ સાથે જ તેઓ કાઠી-ક્ષત્રિય સમાજનો અગ્રણી ચહેરો પણ છે. બધાને સાથે રાખીને ચાલવાની તેમની વૃતિ પણ બાબુભાઈ જેબલિયાને આ રેસમાં આગળ કરવા માટે પૂરતી છે - પ્રદિપસિંહ જાડેજા
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે વધુ એક નામ જે ચર્ચામાં છે તે છે પ્રદિપસિંહ જાડેજાનું. પ્રદિપસિંહ જાડેજા હાલ લાઈમલાઈટથી દૂર છે. ક્ષત્રિય સમાજનો અગ્રણી ચહેરો છે અને રાજ્યના ગૃહમંત્રી તરીકે પણ તેઓ કામગીરી સંભાળી ચુક્યા છે. પ્રદિપસિંહ જાડેજા સંગઠનમાં સ્વીકૃત બની શકે છે અને મોવડીમંડળની ગુડબુકમાં સ્થાન ધરાવે છે - વિનોદ ચાવડા
ગુજરાત ભાજપમાં અધ્યક્ષપદની રેસમાં વિનોદ ચાવડાનું નામ પણ ચર્ચામાં છે. વિનોદ ચાવડા ગુજરાત ભાજપના યુવા ચહેરા તરીકે જાણીતા છે. સંગઠન મહામંત્રીનો તેમનો અનુભવ કામ લાગે એવો છે. ત્રણ ટર્મથી તેઓ સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે અને દલિત નેતા તરીકે પણ વિનોદ ચાવડા સ્વીકૃત ચહેરો છે.