અમદાવાદ : ભગવાન જગન્નાથની ઐતિહાસિક ૧૪૪મી રથયાત્રા સોમવારે પરંપરાગત રીતે કર્ફ્યૂ વચ્ચે નીકળશે.
૧૪ દિવસ બાદ મંદિરમાં પ્રથમવાર ભગવાનની આરતી કરાઈ
રથયાત્રા પહેલાં આજે અમાસના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મોસાળ સરસપુરથી નિજ મંદિર પરત ફર્યાં છે. નિજ મંદિરે પરત ફર્યા બાદ નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણ વિધિની શરૂઆત કરવામાં આવી હતી. ભક્તોની ભારે ભીડ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ વિધિમાં ભાગ લીધો હતો.
વિધિ પૂર્ણ થયા બાદ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યા
જય રણછોડ માખણ ચોર,મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે,હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. જગન્નાથ મંદિરમાં સાધુ સંતોનો ભંડારો શરૂ થયો હતો.
દર્શન કરવા આવેલા લોકોએ પણ કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ લીધો હતો.
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તમામ સાધુ સંતોને ધોતી અર્પણ કરી હતી.
જગન્નાથ મંદિરમાં જય રણછોડ માખણચોરના નાદ સાથે નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
મોસાળથી પરત ફરેલા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની નિજ મંદિરમાં ૧૪ દિવસ બાદ પ્રથમ વખત આરતી કરવામાં આવી હતી.
ત્યાર બાદ ત્રણેય ભાઈ બહેનની આંખે પાટા બાંધવામાં આવ્યાં હતાં. આ પાટાને આવતી કાલે સવારે ખોલવામાં આવશે.
અમદાવાદ શહેરમાં કોરોના વચ્ચે ભગવાન જગન્નાથજીની બીજી રથયાત્રા યોજાશે.
રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી દીધી છે.ગત વર્ષે ભગવાનના રથ માત્ર મંદિર પરિસરમાં જ ફર્યા હતા. પરંતુ આ વર્ષે કોરોના કેસની સંખ્યા ઓછી હોવાને કારણે પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવાની મંજૂરી મળી છે, જે રૂટ પરથી રથ નીકળશે એ તમામ રૂટ પર કર્ફ્યૂ લાદવામાં આવશે.
માત્ર પાંચ કલાકમાં ૨૨ કિ.મીના રૂટ પર ફરીને ભગવાનના રથ નિજમંદિરમાં પરત ફરશે અને રથયાત્રા સંપન્ન થશે.
ભગવાનની રથયાત્રાનો પ્રસાદ ગુરુપૂર્ણિમા સુધી વહેંચવામાં આવશે.
Other News : સારા સમાચાર : ગુજરાતમાં રવિવારથી ભારે વરસાદની આગાહી