અમદાવાદ : રવિવાર અને સોમવારે સાયન્સ સિટીમાં પણ મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા. છેલ્લા ૩ દિવસમાં ૧૦,૯૫૬ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. તેમાંથી સાયન્સ સિટીને રૂ. ૩૫.૫૬ લાખની આવક થઇ હતી. જેમાં માછલીઓની નવી નવી પ્રજાતિ જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તે ઉપરાંત ડાન્સિંગ રોબોટ, સહિતના સાયન્સ સિટીના નવા નવા નજરાણા જોવા માટે પણ નાગરિકો ઉમટી પડ્યા હતા.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સાયન્સ સિટીમાં રવિવારે ૫ હજાર જેટલા નાગરિકો ઉમટી પડ્યા હતા. જ્યારે સોમવારે પણ ૩૫૦૦ જેટલા નાગરિકોએ મુલાકાત લીધી હતી. રવિવાર અને સોમવારની રજામાં અંદાજે ૬૪ હજાર લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી હતી. રવિવારે સૌથી વધુ ૪૧ હજાર લોકો કાંકરિયા ઉમટ્યા હતા. અર્થાત પ્રત્યેક બે સેકન્ડે એક વ્યક્તિ કાંકરિયાની મુલાકાતે આવી હતી તેમ કહી શકાય. બંને દિવસ સાબરમતી રિવરફ્રન્ટ પણ મેદનીથી છલકાયો હતો.
રવિવારે અંદાજે ૫૦ હજાર જ્યારે સોમવારે ૩૦ હજાર લોકોએ રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી
કાંકરિયા લેક ફ્રન્ટ પર અગાઉ કાર્નિવલની ઉજવણી સમયે કદાચ આવો માનવ મહેરામણ જોવા મળતો હતો. રવિવાર અને સોમવારના બે દિવસોમાં આ પ્રકારનો માનવ મહેરામણ જોવા મળ્યો હતો. કાંકરિયા લેક ફ્રન્ટને રવિવારે ૧૧.૬૧ લાખ અને સોમવારે પણ ૮ લાખની આવક થઈ હતી. નાગરિકોએ પ્રાણી સંગ્રહાલય, બટરફ્લાય ગાર્ડન, નગીના વાડી, બોટીંગ સહિતની જુદી – જુદી સ્થળની મુલાકાત લીધી હતી. કોરોનાના કેસમાં સતત ઘટાડા સાથે અમદાવાદમાં જનજીવન હવે પૂર્વવત્ થઈ રહ્યું છે.
આ ઉપરાંત સાયન્સ સિટીમાં પણ ત્રણ દિવસથી અંદાજે ૧૦ હજારથી વધુ લોકો આવ્યા હતા અને સરકારના દાવા મુજબ ૩૫ લાખથી વધુની આવક થઈ હતી. આ સિવાયના નાના મોટા પ્રવાસન સ્થળો તેમજ મોલ-મલ્ટિપ્લેક્સ અને મોટાભાગના મંદિરોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. સામાન્ય દિવસની સરખામણીએ રવિવારે અને સોમવારે મુલાકાતની સંખ્યામાં ૫ થી ૧૦ ગણો વધારો જોવા મળ્યો હતો.રિવરફ્રન્ટ પર રવિવાર, સોમવારે નાગરિકોની ભારે ભીડ જોવા મળી હતી.
Other News : મારે ત્યાં રેડ પાડવા આવશો તો હું કોઇને પણ મારી નાખીશ’ : બુટલેગર મહિલાની ધમકી